એક રાજાએ નવા રાજ્ય પર વિજય પ્રાપ્ત કર્યો. આ પરાક્રમી રાજા ઘણો ચાલાક હતો. તેણે એક દિવસે વિચાર કર્યો. જે રાજ્યને આટલી સરળતાથી જીતી ગયો. તે રાજ્યની પ્રજા સાથે એક વખત મુલાકાત કરવી જોઈએ. પ્રજા સાથે મુલાકાત કરવાના ઈરાદે રાજા નગરનાં પ્રવાસે નીકળ્યો. ભરબપોરે નગરનાં પ્રવાસે નીકળેલો રાજા પ્રજાને જોઈને વિચારમાં મુકાઈ ગયો. તેણે જોયું આખુંય નગર ભરબપોરે સુઈ રહ્યું હતું. કોઈને કોઈ વાતની ચિંતા ન હતી. દરેક પોતપોતાના બારી-બારણાં બંધ કરીને આરામ ફરમાવી રહ્યાં હતાં. નગરમાં સન્નાટો હતો.
નગરનાં પ્રજાજનોની આ સ્થિતિ જોઈને રાજાએ પ્રજા સાથે વાત કરવાનું નક્કી કર્યું . ભરબપોરે રાજાએ સભા કરી. જેમ તેમ કરીને લોકો નગરનાં ચકલે ભેગા થયા.
નગરજનો ભેગા થતાં જ રાજાએ પ્રજાને પહેલો સવાલ કર્યો.
નગરજનો હું તમારી મુલાકાતે આવ્યો છું. મેં જોયું "તમે નગરજનો ભરબપોરે સુઈ રહ્યાં છો. તમારી પાસે કોઈ કામધંધો નથી લાગતો. મેં હમણાં જ તમારું રાજ્ય જીત્યું છે. એટલે હવે હું તમારો રાજા છું. બોલો તમારે શેની જરૂર છે ? જે ચીજ-વસ્તુની જરૂર હોય તે લઈ લો અને જટ કામે લાગો. હજૂ આપણે ઘણાંય વિકાસનાં કામો કરવાનાં છે. "
રાજાને સાંભળી રહેલી પ્રજાએ એકસૂરે કહ્યું "ઘણી ભુખ લાગી છે રાજાજી...જમવાની વ્યવસ્થા કરો."
પ્રજાની માંગણી સાંભળી રાજા હર્ષ સાથે બોલ્યો " બસ આટલી જ વાત, ઠીક છે. જમવાની વ્યવસ્થા નગરમાં અબ ઘડી કરવા તૈયાર છું."
[[ સૈનિકોને રાજમહેલમાંથી જમણ લઈને પરત નગરે આવવાનો હુકમ થાય છે. તે દરમ્યાન રાજા નગર ચકલે આરામ ફરમાવે છે. પ્રજા રાજી રાજી થઈ જાય છે. ]]
પેટ ભરીને જમવાનું નગરજનોને આપ્યાં બાદ રાજા નગરજનોને કહે છે "નગરજનો મારા રાજ્યમાં તમે ભુખે નહીં મરો. તમને ભરપેટ જમવાનું મળશે. પણ તે માટે તમારે કામ કરવું પડશે. આમ આરામ ફરમાવો તે મને પોષાય તેમ નથી. જે કર્મ કરશે તેને ભોજન મળશે. એટલે હવેથી આરામ છોડીને કર્મ કરો. ઊભા થાવ. આપણે સાથે મળીને ઘણાં વિકાસનાં કામો કરવાનાં છે."
રાજાની વાત પૂરી થતાં જ પ્રજાએ ફરીથી રાજાને આજીજી કરી " રાજાજી, તમે જમાડી તો દીધું, પણ હાથ ધોવા માટે પાણીની વ્યવસ્થા કરી આપો. તો સ્વચ્છ હાથે અમે કામે લાગીએ."
[[ પ્રજાની માંગણીનો સ્વીકાર કરતા રાજાએ પાણીની વ્યવસ્થા કરી. પ્રજાએ રાજાએ આપેલા પાણીથી ફટાફટ હાથ ધોઈને રાજાની સામે ગોઠવાઈ ગઈ. ]]
રાજાએ ફરીથી હર્ષની લાગણી સાથે પ્રજાને કહ્યું " નગરજનો,ચાલો ઊભા થાવ, કામ કરો."
[[ આ દરમ્યાન જ પ્રજા એકસૂરે ફરીથી બોલી. આ વખતે રાજાને આજીજી ન હતી, પણ સ્પષ્ટ ટકોર હતી. ]]
"રાજાજી તમે જમાડી દીધું, પછી પાણીથી હાથ સાફ કરાવ્યાં. પણ જે પાણી જમીન પર ફેલાતાં ગંદકી ફેલાઈ છે. તે ગંદકીને સાફ કોણ કરશે ? જુઓ અમારા પગ પર તમારા પાણીને કારણે કાદવ ફરી વળ્યો. અમારો જૂનો રાજા કેટલો સારો હતો. અમને ખાટલે બેઠા જમવાનું આપતો હતો, તમે તો જમાડીને પછી કાદવ સાફ કરાવાની વાત કરો છો. આવું કેવું તમારું શાસન. તમે અમારી નીંદર બગાડો છો અને પાછા મોટા મોટા પ્રવચન આપો છો."
ચતુર રાજા સમજી ગયો. તેણે તરત જ કહ્યું " ઠીક છે, નગરજનો ચિંતા ના કરશો. કાદવની સાફ-સફાઈ હું કરીશ, ચોંકીદારી હું કરીશ, તમે નગરજનો નિરાંતે સુઈ જાવ. વિકાસનાં કામ હું કરીશ, બસ તમે નિરાંતે સુઈ જાવ."
[[ તે દિવસથી લઈને તેના શાસન સુધી રાજાએ પ્રજાને ભરબપોરે સુઈ રહેવાની અને મફતમાં સરકારી જમણની ટેવ યથાવત રાખીને ચાલાક રાજાએ રાજ્યની સારામાં સારી વસ્તુઓનો ઉપભોગ કર્યો. અમુક વર્ષો સુધી રાજ્યની ભરપેટ સત્તા ભોગવીને ચાલાક રાજા બીજા રાજ્યને જીતવા નીકળી ગયો. અને પ્રજા બીજા નવા રાજાનાં શાસનમાં ફરીથી નિર્ભર બનવા આતુર થઈ]]
નવા રાજાને ટકોર કરતાં પ્રજાએ કહ્યું "અમારો પહેલાનો રાજા કેટલો સારો હતો. અમારી બધી જ વાતને માનતો હતો. અમારા ઘર સુધી જમણ પહોંચાડતો અને ગંદકી પણ સાફ કરતો અને રાતે ચોંકીદારી તો ખરી જ. તમે તો અમને પગભેર કરવા માંગો છો. આમ કેમ બને. નિર્ભરતા અમારો અધિકાર છે."
પ્રજાને જવાબ આપતા રાજાએ કહ્યું "સરકારી તિજોરી ખાલી છે. પહેલાનાં રાજાએ તમને મજા કરાવી, અને જાતે મજા કરી, મંત્રીઓ લૂંટીને જતા રહ્યાં. હવે મારે શાસન કરવા માટે રૂપિયો જોઈશે. એટલે તમારે તો કામ કરવું જ પડશે. કારણ કે રાજ્ય તમારા પર નિર્ભર છે.
નવા રાજાને ટકોર કરતાં પ્રજાએ કહ્યું "અમારો પહેલાનો રાજા કેટલો સારો હતો. અમારી બધી જ વાતને માનતો હતો. અમારા ઘર સુધી જમણ પહોંચાડતો અને ગંદકી પણ સાફ કરતો અને રાતે ચોંકીદારી તો ખરી જ. તમે તો અમને પગભેર કરવા માંગો છો. આમ કેમ બને. નિર્ભરતા અમારો અધિકાર છે."
પ્રજાને જવાબ આપતા રાજાએ કહ્યું "સરકારી તિજોરી ખાલી છે. પહેલાનાં રાજાએ તમને મજા કરાવી, અને જાતે મજા કરી, મંત્રીઓ લૂંટીને જતા રહ્યાં. હવે મારે શાસન કરવા માટે રૂપિયો જોઈશે. એટલે તમારે તો કામ કરવું જ પડશે. કારણ કે રાજ્ય તમારા પર નિર્ભર છે.
અર્થ : રાજા પર પ્રજાએ એટલું જ નિર્ભર રહેવું જેટલું જરૂરી છે. રાજાની તિજોરી અને કામકાજ પર ખર્ચ થનારો રૂપિયો પ્રજાની સંપત્તિ છે. રાજા પોતાની સત્તા જમાવવા માટે પ્રજાનો રૂપિયો નિર્ભય રીતે બેફામ વાપરી શકે, કારણ કે અંતે તો રૂપિયો રાજાએ નિર્ભર પ્રજા પાસેથી વસુલ કરવાનો છે.

