Pages

મધથી ભરપૂર મધપૂડો, પણ મધમાખી ભૂખીને ભૂખી અને શિકારીની ગુલામી






મધથી છલોછલ એક મધપૂડો હતો. દુનિયાનાં બીજા મધપૂડાથી અજાણ આ મધપૂડાની મધમાખીઓની પોતાની અલગ જીવનશૈલી હતી. આ અલગ જીવનશૈલીને કારણે જ આ મધપૂડાની મધમાખીઓ બીજા મધપૂડાની માખીઓ કરતા સુખી હતી. પરંતુ આ સુખ અને રસથી તરબોળ મધપૂડા પર એક વખત બહારનાં શિકારીની નજર પડી. મધપૂડાને કાબૂ કરવામાં માહેર શિકારીએ આખામધપૂડાને ડાબો, જમણો, ઉપર, નીચે અને મધ્ય એવા અલગ અલગ ભાગમાં વહેચી દીધો. આ પાડેલા ભાગમાં પણ તેણે મધમાખીઓને રંગ અને ગુણને આધારે અલગ કરવાનું મન બનાવી લીધું.

શિકારીએ વિચારેલી રણનીતિ મુજબ તે એક પછી એક ખૂણાઓને બીડીનાં ધૂમાડે નિષ્ક્રિય કરતો ગયો. અંતે ધીમે ધીમે મધપૂડાની તમામ માખીઓ હતી ન હતી થઈ.

બહારથી આવેલા આ શિકારીને આ મધથી છલોછલ મધપૂડાનાં મધથી મતલબ હતો. જેથી એણે મધપૂડામાંથી તમામ મધ કાઢીને જતો રહ્યો.પણ આ લાલચથી ભરેલા શિકારીને કારણે મધમાખીઓએ પોતાનો રસથી ભરેલો પૂડો ગુમાવી દીધો. મધમાખીઓ નિર્દોષ રીતે પોતાનું જીવન જીવી રહી હતી, પરંતુ આ મધમાખીઓએ  અચાનક આવી ચડેલા શિકારી સામે લડવાની કોઈ તૈયારી અગાઉથી કરી ન હતી. દરેક મધમાખી પોતાની દુનિયામાં સુખીથી જીવન જીવી રહી હતી. તેમણે ક્યારેય કલ્પના કરી ન હતી કે આમ અચનાક કોઈ ભટેકેલો શિકારી મધપૂડા પર ત્રાટકશે, પણ જે નસીબમાં લખાયું તે થઈ ગયું, મધમાખીઓ નિરાશ ન થઈ. હવે તે નવસેરથી પોતાનો પૂડો બનાવાની તૈયારીઓ શરૂ કરી દે છે. જેમ તેમ કરીને જલ્દીથી જલ્દી પૂડો બનાવાનાં ચક્કરમાં આ મધમાખીઓ એક ભુલ કરી બેસે છે.

મધપૂડો તૈયાર થઈ ગયો છે. મધમાખીઓ ખુશ છે. પણ તેમણે આ વખતે સુરક્ષાની ચિંતા કરીને પોતાના મધપૂડાને ખાસ આયોજન હેઠળ જાતેજ વહેચી દીધો છે. શિકારીનાં દમન પહેલા પણ તે વહેચાયેલો જ હતો. પણ શિકારીનાં દમનને કારણે મધમાખીઓ એકતાનું મહત્વ સમજી ગઈ હતી. જેથી કરીને શિકારીનાં દમન બાદ નવા મધપૂડાની રચનામાં એક રણનીતિ મુજબ સુરક્ષા અને સુખમય જીવન માટે મધપૂડાને અલગ અલગ ભાગમાં વહેચીને મધપૂડાને એક જાહેર કરવામાં આવ્યો. આમ મધપૂડામાં એકસરખું તંત્ર ચાલે તે માટે મુખ્ય શાસનની સ્થાપના થઈ. મધપૂડાનાં વિવિધ ભાગની કામગીરી અલગ અલગ અને આ દરેક ભાગને જોડનાર મુખ્ય શાસનની સ્થાપના થઈ. જેથી કરીને મધપૂડાનાં કેન્દ્રથી લઈને  વિવિધ ભાગો સુધી એકસરખી મધપૂડાની યોગ્ય કાળજી લેવાઈ શકે. હવે મધમાખીઓને નિરાંત થઈ, લાગ્યું હવે આપણે અને આપણો મધપૂડો  સુરક્ષિત છીએ. પણ આ તેમની ભુલ હતી.

શિકારીનાં દમન પહેલાની મધમાખીઓને ફક્ત નિજાનંદ સાથે મતલબ હતો. પણ હવે શિકારીનું જે દમન જોયું. તેની સાથે શાસનનું મહત્વ પણ સમજી ગઈ છે.



હવે મધપૂડામાં રહેતી માખીઓ નિજાનંદની સાથે શાસન ઈચ્છુક બની છે. હવે તેમને પોતાનાં રંગ-રૂપ અને ગુણનું ભાન છે. હવે માખીઓ સભાન બની છે. વાતે વાતે ડરતી થઈ ગઈ છે. લૂંટાઈ જવાનો ડર ઘર કરી ગયો છે. હવે મધમાખીઓ પોતાના હિત અને સુરક્ષાની ચિંતા કરતી થઈ ગઈ છે. જેને લઈને રંગ-રૂપ અને ગુણને આધારે મધમાખીઓએ પોતાની ટોળકી બનાવી લીધી છે.

હવે આ ટોળકીઓમાં જ શિકારીઓ પેદા થવા લાગ્યાં છે. શાસનનો ચસ્કો જ નિજાનંદ બની ગયો છે. હવે મધપૂડાની માખીઓ જ એકબીજાને શિકારીની યાદ અપાવીને ડરાવતી થઈ ગઈ છે. હવે મધપૂડામાં શાસનનું જોર વધ્યું છે. નિજાનંદમાં રહેતી માખીઓમાં હવે સત્તા ઘર કરી ગઈ છે. આ માખીઓએ દમન જોયું છે અને તેની સામે સત્તાનો દબદબો પણ જોયો છે. અને એટલે નિજાનંદ માટે રહેનારી માખીઓને હવે સત્તા આકર્ષી રહી છે. આ મધપૂ઼ડાની માખીઓની નવી પેઢીમાં શાસન જ નિજાનંદ પ્રાપ્ત કરવાની ચાવી હોઈ તેમ મગજમાં ઘુસી ગયું છે.

બહારી શિકારી મધપૂડાને હજૂય દૂરથી જુએ છે. તેમણે આ મખમાખીઓનું કૌશલ્ય જાણી લીધું છે. પણ હવે સીધેસીધો મધપૂડો બરબાદ કરવાને બદલે અગાઉ જે રીતે મધપૂડાને બરબાદ કર્યો હતો ત્યાંથી ફરીથી શરૂઆત કરે છે. દમન બાદ મધમાખીઓ સભાન બની ગઈ છે. પોતાનું હિત સમજતી થઈ ગઈ છે. જેથી કરીને બહારનો શિકારી ફરી વખતે નવી રણનીતિ સાથે મધપૂડોને કાબૂ લેવાનું વિચારે છે.

દમન માટે આતુર બહારનાં શિકારીને હવે મધપૂડા પર મરજી મુજબનું શાસન કરાવા માટે વધારે મહેનત કરવાની ન હતી. કારણ કે અડધું કામ તો આ મધમાખીઓએ પોતે જ કરી લીધું હતું. હવે મધમાખીઓમાં ઉત્પન્ન થયેલો શાસનનો મોહ યથાવત રાખવો છે તે બહારનાં શિકારીની પ્રાથમિકતા હતી.

હવે બહારનાં શિકારીએ નવી રણનીતિ મુજબ, તેણે મધપૂડામાંથી રસ ચોરીને પોતાના સુધી પહોંચાડી શકે તેવી અને શાસન પ્રત્યે મોહિત થયેલી મધમાખીઓને લલચાવાનું શરૂ કર્યું.

બહારનાં શિકારીને હવે મધપૂડાનો રસ વેચીને મબલખ રૂપિયા કમાવા છે. પણ તે માટે મધપૂડાની માખીઓની આરામદાયક સ્થિતિ મુશ્કેલી સર્જી રહી છે. મધમાખીઓ જીવન જરૂરી જ ફૂલોમાંથી રસ ચુસીને સુખી છે.પણ મધનો વિપુલ જથ્થો પ્રાપ્ત કરવા માટે મધમાખીઓનું આરામદાયક જીવન શિકારીને પજવી રહ્યું હતું.

આ મધપૂડાની મધમાખીઓ દિવસ-રાત કામ કરે અને ફૂલોનો રસ ચૂસી ચૂસીને વિપુલ પ્રમાણમાં રસ પેદા કરે તે માટે હવે હજૂ કઈંક વિશેષ રણનીતિ આવશ્યકતા શિકારીને લાગી. જેથી હવે તેણે મધમાખીઓને નિજાનંદમાંથી બહાર કાઢીને ભોગ તરફ વાળવાનો નિર્ણય કર્યો. તે માટે તેણે મધપૂડાની માખીઓને બીજા મધપૂડાની માખીઓ કેવી રીતે રહે છે, ફરે છે. મજા કરે છે. તેની જાણકારી આપી અને મનમાં ઘુસાડી દીધું કે તમારું જીવન એકદમ ઉતરતી કક્ષાનું છે. તમે આળસું છો. કામ નથી કરતાં. બીજા મધપૂડાની માખીઓ જુઓ કેટલી આગળ વધી ગઈ છે. તે પ્રકારનાં સંદેશાઓ અને ચિત્ર મોકલવાનાં શરૂ કર્યાં.

શિકારીનીઆ રણનીતિ કામ કરી ગઈ. મધમાખીઓ હવે પોતાને અંદરોઅંદર કોસવા લાગી. હરિફાઈ થવા લાગી. બીજા મધપૂડામાં જેમ મધમાખીઓ કામ કરે છે. તેમ કામ કરીને રહેવાની ઈચ્છા જાગી. તે માટે વિપુલ પ્રમાણમાં રોજ ફૂલોમાંથી રસ ચુસીને લાવાનું શરૂ કર્યું. બીજી તરફ શિકારીને રસ મળતો થયો.

ધીરે ધીરે હવે હરિફાઈની માનસિક્તા મધમાખીઓમાં ઘર કરી ગઈ છે. વાતે વાતે હરિફાઈ કરતી થઈ ગઈ છે. આ મધપૂડાની મધમાખીઓ માટે ભોગ જ નિજાનંદ બની ગયો. આ બાહ્ય ભોગ માટે મધમાખીઓ  કિંમત ચુકવતી થઈ ગઈ. તે માટે તેમણે દિવસ-રાત કામ કરવાનું શરૂ કર્યું. જેથી કરીને વિપુલ પ્રમાણમાં ફૂલોમાંથી રસ ચૂસીને લાવતી રહી. જેટલો વધારે રસ ચુસીને લાવે તે મુજબનું સુખ મધમાખીઓને મળતું થયું.જેથી કરીને મધમાખીઓ પણ ધીરેધીરે કાવાદાવા શીખી ગઈ.

સમય પસાર થતો ગયો અને ધીરે ધીરે આ મધમાખીઓનો આચાર –વિચાર બીજા મધપૂડાની માખીઓ જેવો થઈ ગયો. હવે શિકારી માટે ગમે-ત્યારે ઈચ્છા મુજબનું મધ મધપૂડામાંથી કાઢી લેવું સરળ હતું. કારણે હવે મધપૂડામાં સત્તા સર્વોપરી હતી. તે માટે મધપૂડો ગમે તેટલો લૂંટાય કોઈ મધમાખીને ફરક પડતો ન હતો. જાણે શિકારીની માનસિક્તા હવે મધમાખીઓમાં ઘુસી ગઈ હતી. મધપૂડાને મધમાખીઓ જાતે જ રંગ, રૂપ અને ખૂણાને આધારે બરબાદ કરવા લાગી. જેથી કરીને હવે મધપૂડામાં રસને લઈને મધમાખીઓ લડવા લાગી.

અસહ્ય મહેનત, લુચ્ચાઈ, છેતરામણી, દગો કર્યા પછી પણ મધમાખીઓનો મધપૂડો રસથી છલોછલ ન થાય. એટલે બુદ્ધિજીવી મખમાખીઓએ હવે શિકારી અને સત્તા મોહિત મધમાખીઓને સામે અવાજ ઉઠાવ્યો. આમ મધપૂડામાં અંશાતિ રહેવા લાગી.

અંતે કહેવાનો અર્થ એ કે જ્યારે મધપૂડો પહેલા રસથી તરબોળ હતો ત્યારે માખીઓને શાસનનો શોખ ન હતો. અથવા શાસનનો દબદબો પણ જોયો ન હતો, પરંતુ જે વખતે તેમણે દમન જોયું તે સાથે જ તેમને શાસન પ્રત્યે મોહ પેદા થયો. જે શિકારી માત્ર પોતાના અંગત સ્વાર્થ માટે યુક્તિથી દમન કરીને પોતાનો હેતુ સિદ્ધ કરી જતો રહ્યો. તેણે જતાં પહેલા આ માખીઓને શાસનનો ચસ્કો લગાડી દીધો. અને આ ચસ્કો હજૂ સુધી માખીઓને એક થવા દેતી નથી.

આપણો ભૂતકાળ અને વર્તમાનને જુઓ, વર્તમાન જોઈને ભૂતકાળ એક સ્વપ્ન લાગશે. આપણાં બાપદાદા ગામની બહાર નીકળ્યાં વગર મોટા મોટા ઘર બનાવી લેતા હતા. તે સાથે એકથી વધારે સંતાન સામાન્ય બાબત હતી. તેમ છતાં મોંઘવારી જેવી વસ્તુ તેમણે જોઈ ન હતી. વર્તમાન સમયે બટાકાનો આજનો ભાવ અને કાલનો અલગ થઈ જાય છે. કોઈ વસ્તુ નિશ્ચિત નથી. અત્યારે રૂપિયા કમાવા માટે સ્થળાંતર સામાન્ય બાબત બની ગઈ છે. ગામડિયો શબ્દ ગાળ સમાન બની ગયો છે. દરેકને શહેર તરફ જવું છે. ગામમાં મન લાગતું નથી. ગામમાં ભવિષ્ય દેખાતું નથી. આ ગ્રામિણ સંસ્કૃતિ દેશનું દિલ છે. પણ આ દિલ કેટલા વર્ષો ધડકશે તેની કોઈ ગેરન્ટી નથી. જે પ્રકારે આધુનિકરણ ગામડાઓ સુધી પહોંચી ગયું છે. અને તે જોઈને લાગે છે કે ગ્રામિણ સંસ્કૃતિમાં પણ શહેરીકરણનું મિશ્રણ થઈ ગયું છે. કાચા રસ્તા પાકા બનશે, દરેક હાથમાં મોબાઈલ, લેપટોલ હશે, ઘરની બહાર ગાડી હશે, ઘરમાં બયરી હશે, બાળકો શાળાએ જશે, પણ મા - બાપ ઘરડાઘરે જશે ? શું ભવિષ્યમાં આપણે જીવનમાં એટલીહદે વ્યસ્ત જઈશું કે આપણાં પોતાના સ્વજનોની જવાબદારી ઉઠાવવામાં આનાકાની કરીશું  ?