Pages

બે રૂપિયામાં સ્વચ્છતા અભિયાનનો કચરો

સ્વચ્છતા અભિયાન લોકોની માનસિક્તા બદલે તો પરિણામ મળે 

સ્વચ્છતા અભિયાન પાછળ અધધધ ખરચો,પણ આ અભિયાનનો કચરો કરવા બે રૂપિયા કાફી છે. પાણીનું પાઉચ વેચનારે ડસ્ટબીન ફરજિયાતપણે રાખવું પડે તેની નોંધ તંત્રએ લેવી જોઈએ.

સરકારે તમાકુંની પડીકીઓ કાગળની કરાવી પણ પડીકી નશાખોર પોતાની સાથે લઈ જાય છે. તે ખાલી થાય ત્યારે ફેંકે છે. જ્યારે પાણીનું પાઉચ લીધું અને પીધું ; એટલે પાણીનું પાઉચ જે વેચે છે તેને ફરજિયાતપણે  ડસ્ટબીન રાખવું જરૂરી છે. અને પાણીનાં ખાલી પાઉચ  ઉત્પાદકોને  પરત કરવા જોઈએ. ઉત્પાદકોની ફરજ બને છે તે પ્લાસ્ટીકનાં પાઉચનો યોગ્ય નિકાલ કરે. પાણીનાં પાઉચની ડિલીવરી રોજિંદી છે. જેથી જે ભરેલા પાઉચ મુકી જાય તે પરત લઈ જાય તે શક્ય છે. જેથી વેચનાર અને પાણીનાં પાઉચનું પ્રોડક્શન કરનાર બંને સજાગ રહે. તેમને ખબર પડે કે તે લોકો પાણીનું વેપારીકરણ કરીને કેટલું પ્લાસ્ટીક કચરા સ્વરૂપે લોકોને ભેટમાં આપી રહ્યાં છે. 

આ ઉપરાંત જો શક્ય હોય તો જે લોકો પ્લાસ્ટીક કચરા સ્વરૂપે લોકોને ભેટમાં આપે છે. તે કંપનીઓ, નાની –મોટી ફેક્ટરીઓ પાસેથી અલગથી પ્લાસ્ટીક વેસ્ટ ટેક્ષ લેવો જોઈએ. જેમાં ઠંડાપીણાં બનાવતી કંપનીઓ સાથે પાંચ પાંચ રૂપિયાનાં જે ખાવાનાં પડીકા બનાવે છે તે કંપનીઓનો સમાવેશ સવિશેષ થવો જોઈએ. આ ટેક્ષ મારફતે આવેલા રૂપિયાનો ઉપયોગ મેડીકલ ક્ષેત્રમાં વિશેષ સહાય સ્વરૂપે અથવા તો સ્વચ્છતા અભિયાનમાં વપરાવો જોઈએ.

પાણીનો વેપલો અમુક લોકોને માફક આવી ગયો છે. જેનું વેપારીકરણ થઈ ગયું છે. જેથી વગર કોઈ શરમે કડક પગલાં ઉઠાવાની તાતી જરૂરિયાત છે. તે સાથે જુની પરબો જે હવે લુપ્ત થઈ રહી છે. જેનું આધુનિકરણ કરવું જોઈએ. જેમ કે આર.ઓ પ્લાન્ટ આપવો તે સાથે ચોવીસ કલાક ઠંડુ પાણી પરબો લોકોને આપી શકે તેવી સક્ષમ બનાવી જોઈએ. જે માટે સામાજિક સંસ્થાઓને જરૂરી મદદ તંત્ર કરે અથવા તો પાણીની સેવા આપવામાં રસ દાખવતા લોકોને સાથ આપવો જોઈએ.


જે નાના-મોટા આર-ઓ પ્લાન્ટ હોંશે હોંશે પાણીનાં પાઉચ મોકલે છે. તે હોંશે હોંશે ખાલી પાઉચ કેમ ન લઈ શકે. માત્ર નફો રળીને પોતાની જવાબદારીથી ભાગી ન શકે. પાણીનું પાઉચ એવો કચરો ફેલાવી રહ્યું છે જેની કોઈ સીમા નથી. હવે જ્યારે સરકારે સ્વચ્છતા અભિયાનની સિસોટી વગાડી છે ત્યારે આ બાબતે પણ ગંભીરપણે વિચારે તે જરૂરી છે.