Pages

I Miss You : માટી સાથેની લવ સ્ટોરી

હવે ઘરને આંગણે ગટરની ગંધ આવે

છેલ્લા બે દિવસથી ગરમીનો પારો સતત ઉંચે ચઢી રહ્યો છે. બપોર દરમ્યાન રસ્તા સુમસામ રહે છે. આ લેખમાં વાત માટીની કરવી છે. મોટાભાગનાં લોકોને માટીમાં રમવાનું સુખ મળ્યું હશે. જેમણે ઘરને આંગણે માટીમાં રમતા રમતા ઘર બનાવ્યા હશે. હું તેમાનો એક ભાગ્યશાળી છું. જેને ઘરને આંગણે માટીનું સુખ મળ્યું હતું. માટી સાથે હું ઘણો રમ્યો. આજે પણ યાદ છે કે હું કેવી રીતે માટીમાં ઘર બનાવતો. રવિવારે રામાયણ ચાલે તે સાથે શાળાએ રજા હોય. એટલે બસ મજા જ મજા. સાંજે ચાર વાગ્યે ગુજરાતી ચિત્રપટ આવે. જે જોવા ઘરે લોકોનો જમાવડો થાય, પણ હું માટીમાં વ્યસ્ત રહેતો. તે સમયે ટીવીનો મને એટલો શોખ ન્હોતો જેટલો આજે નશા જેવો બની ગયો છે.

હવે જ્યારે મારું બાળક જે પોણા ત્રણ વર્ષનું છે. તે માટી જુએ ત્યારે ઉત્સાહમાં આવી જાય છે. ઘર એજ છે, ગામ એજ છે, એજ ઠેકાણું છે જે ઠેકાણે મારું બાળપણ પસાર થયું છે. પણ હવે એ માટી રહી નથી. તેના પર આરસીસી રોડ બની ગયો છે. અમુક વખતે એવું લાગે કે જાણે ધરતી પર બખતર પહેરાવી દીધું હોય અને અંદરથી ધરતી બખતર તોડવાનો પ્રયત્ન કરતી હોય અને તેથી જાણે આરસીસી રોડમાં તિરાડ પડી ગઈ હોય.

મને યાદ છે ઉનાળામાં મોટાભાગના ફળિયે સાંજના સમયે લોકો પોતાના ઘરની બહાર માટી પર પાણી છાંટતા હતાં. તે પણ એક રોજનું કામ હતું. હવે આરસીસી રોડ પર કોણ પાણી છાંટે, હવે તે મજા પણ જતી રહી. હવે ખેતરોમાં માટી જોવા મળે છે, બાકી ગામના રસ્તા, ફળિયાનો ચોક આરસીસીમાં ફેરવાઈ ગયો છે.

એમ પણ હવે આજનું બાળક માટીમાં કેવી રીતે રમે, મા – બાપે માટીની મજા લીધી હોય તો બાળકને માટીની મહેક સમજાવે. ચોમાસાનો પહેલો વરસાદ વરસે તે સાથે માટીની મહેક પથરાય જાય અને તેનો આનંદ પણ ગજબનો હોય છે. જોકે હવે આ મહેક માટે ખેતરમાં જવું પડે તો આ સુખ મળે, બાકી હવે ગામ અને શેરીમાં ગટરની ગંધ આવે. હવે શાળામાં ક્લે આપવામાં આવે છે. જેની મદદ બાળક વિવિધ આકાર મરજી મુજબ બનાવે છે. તમને પણ યાદ હશે, શાળામાં માટીથી બનેલા રમકડાં લઈ જવાની વિશેષ હરિફાઈ થતી હતી. તે વખતે દરેક બાળક પોતપોતાના ઘરેથી રમકડું બનાવીને શાળાએ લઈ જાય. માટીમાંથી બનેલું તે રમકડું જીવનભર યાદ રહે. હું હમેશા હાથી લઈ જતો. જોકે હવે આ મજા મરી પરવારી છે. હવે "બકા માટી સાથે ન રમાય, હાથ ગંદા થઈ જાય." જેવા શબ્દો કાને પડે ત્યારે ઘણુંય દુ:ખ થાય પણ શું કરીએ બદલાયેલા જમાના સાથેનાં વિચારો છે. બાકી આ માટી જ અનેક રોગ દૂર કરી શકે. ભમરી કરડે ત્યારે ખબર પડે કાળી માટીનું સુખ શું હોઈ છે.

માણસે જાણે વિકાસ સાથે બીજા લગ્ન કરી લીધાં હોય અને પોતિકાને દૂર કરવાનું પ્લાનીંગ કરી બેઠો હોય તેવી રીતે ટપોટપ એક પછી એક વગર વિચારે નિર્ણય લઈ રહ્યો છે. ધરતી માતાને ખોળે પ્રકાશના કિરણો પડે ત્યારે લાગે કે ધરતી માતા ગરમી પોતાનામાં શોષી રહી છે અને સાંજે જ્યારે તેની પર પાણી છાંટીએ ત્યારે શીતળતાનો અહેસાસ થાય પણ હવે આ અહેસાસ પણ છીનવાઈ ગયો છે. હવે આ માટી ઘરને આંગણે જોવા મળશે તેની કોઈ ખાત્રી નથી, હવે આરસીસી અને ડામર જ લમણે લખાઈ ગયો છે.

આ લેખ અમુક લોકોને સાધારણ લાગશે પણ જેમણે માટી સાથે પ્રેમભરી રમત રમી છે. માટીએ જેમને પોતાના ખોળે રમવાની તક આપી છે તેમની લાગણી આ લેખ સાથે ચોક્કસ જોડાઈ હશે. આ લેખ તેમનું બાળપણ યાદ કરાવામાં સફળ રહેશે તો હું માનીશ કે આ લેખ સફળ રહ્યો. બાકી દરેકને રામ રામ..