ઈશ્વરે શૈશવની
સ્મૃતિ કેમ છીનવી !!
ઈશ્વરે માણસને ઘણી શક્તિ આપી છે. જેમાં યાદશક્તિનો માણસ ભરપુર ઉપયોગ કરે છે. જેની યાદશક્તિ સારી તે બાળકનું ભવિષ્ય ઉજ્જવળ કહેવાય. વૃદ્ધને પોતાની યુવાની યાદ હોઈ શકે. યુવકને તેનું બાળપણ યાદ હોઈ શકે, પરંતુ શૈશવ યાદ રાખવાની શક્તિ ઈશ્વરે કોઈને આપી નથી. આ શૈશવ તેમની સ્મૃતિમાં અંકિત હોય છે. જેમણે તમારી માટે દિવસ-રાત એક કરી દીધાં હતાં. જેમણે ભગવાનની પુજામાં તત્પરતા ન દાખવી તેનાથી સવિશેષ તત્પરતા શૈશવની સેવામાં દાખવી હતી.
શૈશવ અવસ્થાનાં આ ત્રણ વર્ષ મા – બાપ માટે એવી યાદો મુકી જાય છે. જે અંત સુધી સાથે રહે છે. કહે છે કે બાળકમાં ઈશ્વરનો વાસ હોય છે, પરંતુ હું માનવું છે કે શૈશવમાં ઈશ્વર જાતે હોય છે. જે માણસ મોટી મોટી ચોપડીઓ વાંચી ને ભણે-ગણે અને સ્નાતક બને. તેને પોતાનું શૈશવ જ ભુલાઈ જાય. આ ઈશ્વરની કરામત જ કહેવાય.
બાળપણમાં દરેક બાળક માટે તેના મા- બાપ એક જાદુગર હોય છે. જે તેની તમામ ઈચ્છાઓ પુરી કરે છે. આ મા –બાપ તેની ઈચ્છાઓ પુરી કરવા કેટલી તનતોડ મહેનત કરે છે. તેનાથી તે અજાણ હોય છે. મારી ઈશ્વરને એકમાત્ર ફરિયાદ છે. તે માણસને શૈશવ યાદ રાખવાની શક્તિ કેમ ન આપી. જો આપી દીધી હોત તો વર્તમાન સમયે જે વૃદ્ધાશ્રમ સમાજ માટે કલંક સમાન બની ગયા છે તેનો પગપેસારો થયો ન હોત.
દરેક હિન્દુ ઘરમાં વર્ષે દસ દિવસ માટે ગણેશજીની સ્થાપના થાય છે. આ દિવસો દરમ્યાન ગણેશજી ખાસ મહેમાન હોય છે. આખુંય ઘર ગણેશજીની સેવામાં વ્યસ્ત હોય છે. તેવી પરિસ્થિતિ દરેક મા –બાપની બાળકના શૈશવ કાળ દરમ્યાન ત્રણ વર્ષ માટે રહે છે. મહેમાન તરીકે આવતા ગણેશજી કઈ પણ બોલતા નથી, પરંતુ ભક્ત તેમની ઈચ્છા મુજબ સેવા કરે છે. પરંતુ આ શૈશવ સ્વરૂપે આવેલા ઈશ્વર તમારી જેમ રડે છે, બોલે છે, ઈચ્છા કરે છે તમને લાગણીવશ કરે છે. શૈશવ જાય બાળપણ જાય અને બાળક યુવાન થાય તે સાથે જ મા – બાપને માથે ભાર આવે. દરેક મા – બાપની મુંઝવણ અલગ હોઈ શકે. સમાજમાં હજુ પણ એવા ઉદાહરણીય દિકરા –દિકરીઓ છે જેનો ગર્વ અનેક મા- બાપને હશે.
હવે ગણેશજી પર પાછા આવીએ. ઘરે ગણેશ મહેમાન બને ત્યારે ખાસ સાફ-સફાઈ, આરતી ,પ્રસાદનું આયોજન થાય છે. તે મુજબ જ્યારે ત્રણ વર્ષ માટે શૈશવ સ્વરૂપ અને ત્યાર બાદ બાળ સ્વરૂપે ઈશ્વર હોય ત્યારે ઘર પણ પવિત્ર વાતાવરણ જાળવી રાખવાની જવાબદારી દરેક મા- બાપનું હોય છે. ઘરે મહેમાન બનેલા ગણેશજી રાજી ન થાય તો ફળની પ્રાપ્તિ અશક્ય છે. તે મુજબ શૈશવને યોગ્ય વાતાવરણ ન મળે તો પરિણામ દુખદાયી જ હોય છે.
કહેવત છે કે છોરું કછોરું થાય પરંતુ માવતર કમાવતર ન થાય, જે મા-બાપે પોતાના હાથે પોતાના દિકરા-દિકરોનો શૈશવ - બાળપણ જોયો હોય. તેની ચાકરી કરી હોય. તે માવતર કમાવતર કેવી રીતે થઈ શકે. ઘડપણ પણ બાળઅવસ્થા જેવી જ છે. તેમા પણ ખાસ કાળજીની જરૂર છે, પણ શૈશવ- બાળપણ ભુલી યુવાન ગયેલો દિકરો ઘડપણને સમજી શક્તો નથી અને શૈશવમાં સાક્ષાત રહેલા દેવના દર્શન દિકરામાં થતા નથી.એટલે કહેવાનો અર્થ તે છેકે દરેક મા - બાપ તેમના બાળકમાં શૈશવ કાળ દરમ્યાન પ્રવેશેલા દેવનો એક અંશ જીવતો રાખે. આ અંશ એટલે દયા, કરૂણા, પરોપકાર, લાગણી, પ્રેમ અને સત્ય. આ ગુણ છે. જેનું સિંચન બાળપણથી થાય તે જરૂરી છે. જો એક ગુણ કદાચ ઓછો વધતો હોઈ શકે. સર્વગુણી બનવું તો મુશ્કેલ છે. પણ એક ગુણ જો હશે તો તમારું બાળક જીવન તરી જશે.
આ લેખ મને ત્યારે સુઝ્યો જ્યારે મારા અઢી વર્ષનાં બાળકે સૂરજની ફરિયાદ કરતાં ભરબપોરે અગાશીમાં તેેની મમ્મીને કહ્યું " મમ્મી અંધારૂં કરી દે, આ સૂરજ પજવે છે."
