Pages

બારી : મારી – તારી


બારી શબ્દ જ અનોખો છે. ઘરમાં હવાઉજાસ માટે જરૂરી એવી બારી જોઈને મને થાય કે માણસે ઘરમાં હવાઉજાસ માટે બારી તો મુકી દીધી પણ ઘરમાં રહેતો માણસ બારીનું મહત્વ સમજ્યો ખરો ?

મકાનમાં હવાઉજાસ માટે બારી જરૂરી છે. તેમ સમજીને બનાવેલી બારીનો વપરાશ અનેક રીતે થાય. જે શીતળતા ગરમીમાં પંખો ન આપી શકે તે ગરીબનાં ઘરની બારી આપી શકે. ઉદાસ મને ઘરની બારીમાંથી બહાર ડોક્યું કરીને મનને હળવું તમે પણ કર્યું હશે.

ઢોંગી સમાજમાં મનની બારી ખુલેલી હોય તો માણસ ક્યારેય નિરાશ ન થાય. તેને ફરીથી ઉઠવાની શક્તિ મળી શકે. મને જ્યારે કાચનો બંગલો બારી વગરનો જોવા મળે ત્યારે ઢોંગનાં દર્શન થાય. જાણે કે માણસને સરેઆમ ફાંસીએ ચડાવી દીધો હોય. ઘરની બહાર બેઠા બેઠા જ્યારે લોકોના મકાન સામે નજર પડે, ત્યારે નજર સમક્ષ બારી જોઈને એક વખત વિચાર આવે, કદાચ માણસને પણ આવી બારી કુદરતે આપી હોત તો. કેટલું સરળ થઈ જાત. એક બીજાને ઓળખવાનું. એક બીજાને સ્નેહને તાંતણે બાંધી રાખવાનું. પણ કુદરતે કામ વધારી દીધું. પણ જોકે આધુનિક માણસે બારી શોધી લીધી છે.

માણસ મકાનમાં બારી તો બનાવે છે પણ ઘરમાં રહેતા સદસ્યો વચ્ચે વિચારોની આપ-લે માટે બારી જેવી સરળતા કેળવી છે ? વર્તમાન સમયે સહકુટુંબ પરિવારો તુટી રહ્યાં છે. હુતો-હુતી કલ્ચર ડેવલેપ થયું છે. ત્યારે અમુક વખતે જોવા મળે છે કે હુતો – હુતી વચ્ચે પણ બારી ક્યાંક બંધ થઈ જાય અને અંતે અફેર આંટાફેરા મારે છે.

હવે બારીની જગ્યા સોશ્યલ મીડીયાએ લીધી છે. પહેલા પત્ર લખી પોતાની સંવદેના જણાવતાં, ખાનગી મુલાકાત થતી, તકની રાહ જોવાતી. હવે સોશ્યલ મીડીયામાં ઝઘડા પણ થાય અને પ્રેમ પણ..જોકે સારું કહેવાય બારી તરત ખુલી જાય અને તરત બંધ થાય. પણ તેમ છતાં આ બારી ઘણું નુકસાન પહોંચાડી રહી છે. એક સાથે જાણે અસંખ્ય બારીઓ ખુલી હોય તેમ લાગે. એક બીજાને વગર ઓળખાણે હાય હેલો અને અંતે એકબીજાની બારીમાથી ઘુસણખોરી..અને અંતે અફેર. કોઈને ખબર નથી કોણ કોની બારીમાંથી ઘરનાં બેડરૂમ સુધી ઘુસી ગયું છે. પતિ- પત્નીનાં સંબંધમાં થોડી ખટાશ આવી જાય તો આ બારી અત્યંત ખત્તરનાક પરિણામ લાવી શકે તેમ છે. જોકે આ બારીમાંથી પ્રવેશ કેમનો કરવો તે યંગ જનરેશન સમજે છે. હાય હેલો કેમ છે જેવા અંસખ્ય મેસેજ જ્યારે છોકરીનાં ઈનબોક્સ કે ફેસબુક ચેટ બોક્સ કે પછી વોટ્સ અપમાં કોઈ અજાણ્યો નંબર હેલો લખીને મળે તે છોકરીઓ માટે સામાન્ય બાબત બની ગઈ છે. પહેલા ઓટલે, ચોકડીએ, કોલેજ – રસ્તે ખાસ સમયે રાહ જોવાતી. તે માટે બદમાશ જેવા લેબલ પણ લાગતાં, હવે તો શાંત પાણી પણ દરિયાની જેમ ઘોંઘાટ મચાવે પણ કોઈને ખબર ન પડે.

અત્યારે સોશ્યલ મીડીયા તુરંત ભુખ સંતોષવાનું સાધન બની ગયું છે. તેનો વપરાશ કોઈ કેવી રીતે કરે તે કહી ન શકાય. ચાલો હવે મૂળ વાત પર આવી જઈએ.

જ્યારે ઘરમાં રહેતા માણસો વચ્ચે બારી બંધ થાય ત્યારે સોશ્યલ મીડીયાની બારી ખત્તરનાક પરિણામ લાવી શકે. એટલે ધ્યાન રાખજો. ઘરમાં રહેતા સદસ્યો વચ્ચે બારી હમેશા ખુલી રહે અને સંબંધો ખીલેલા રહે.

મારી-તારી  કરવા અને જોવા માટે વપરાતી બારી હવે સોશ્યલ મીડીયા સ્વરૂપે લોકો સાથે લઈને ફરે છે. કોઈની એક ભુલ બીજા માટે પોસ્ટ બની જાય છે. કોઈની વેદના બીજાની વેદના બની જાય છે. કોઈ ભુખ સંતોષે કે એકલત્તાને નાથવાનો પ્રયત્ન કરે, પણ આ બારી આધુનિક જમાનાનું એવું લોક છે જે આગામી સમયમાં જીવનનો અભિન્ન ભાગ બની જશે. અત્યારે આ ટેવ છે પણ આગામી સમયમાં આ જરૂરિયાત બની જશે. અત્યારે પણ મોટાપાયે આ દુનિયા રોમાંચ આપી રહી છે.