Pages

પિતા : એક યોગી

પિતા મારે મન યોગી રે,
સંસારમાં રહેતો તપ કરે,
ચુપ રહીને મને ખુશ કરે.

મારી માટે પિતાથી મોટો કોઈ દેવ નથી. પૃથ્વી પર સાક્ષાત દેવ મેં જોયો તે પિતા છે. પિતા શબ્દ મને ત્યારે સમજાયો જ્યારે હું ખુદ પિતા થયો. પિતા એટલે એક સાધના, એક એવી સાધના જે અંત સુધી ચાલે. તમારી સાધના ફળે તેની કોઈ ખાત્રી નથી. તમે રોજ પ્રાર્થના કરો છો, પણ તમે સદા સુખી જ રહેશો તેની ખાત્રી ઉપરવાળો પણ આપતો નથી. પણ પિતા પોતાના પુત્રને આ ખાત્રી આપવા પોતાનું જીવન આપી દે છે. સંતાન મોટો થઈને તેના પિતાને સુખી રાખશે તેની કોઈ ખાત્રી પિતાને અગાઉથી મળતી નથી, તેમ છતાં એક યોગી જેમ પોતાની સાધનામાં લીન થઈને પ્રભુને ખુશ કરે, તેવી રીતે પિતા પોતાની પિતૃત્વની સાધનામાં લીન થઈ જાય છે. પિતા ગમે તેવો હોય પણ  પોતાના સંતાનની સામે કઈ ખોટું ન થઈ જાય તે બાબતે જાગૃત હોય છે. 


પિતા અને સંતાન વચ્ચેનો સંબંધ મૈત્રીપૂર્ણ હોવો જોઈએ. કોઈ પુત્ર પિતાની ચાકરી કરે તો આખુંય ગામ બોલી ઉઠે શું દિકરો છે. પણ જે બાપ આખીય જિંદગી પોતાના સંતાનનું ભવિષ્ય ઉજ્જવળ કરવામાં લગાવી દે, તે પિતાને ફાળે એક શબ્દ પણ જતો નથી, કારણ કે દરેક પિતાની જવાબદારી સરખી છે. દરેક પિતાનો ભાવ સરખો છે. પણ અંતે તો પિતાની સાધના ફળી કે નહીં તેનું ફળ દરેક પિતાનું અલગ છે. તે ફળ એક સંતાન નક્કી કરે છે. જેમ ખોટી કરેલી સાધના ફળ આપતી નથી, તેમ પિતૃત્વની પકડેલી ખોટી દિશા પિતાને સુખી રહેવા દેતી નથી. 

અમીર – ગરીબ માણસનું પિતૃત્વ એકસરખું છે. પિતૃત્વ જ પુરૂષને સંપૂર્ણ બનાવે છે. યુવાન છોકરો જ્યારે પિતા બને ત્યારે તેના વિચાર બદલાય. જેમ જેમ તેનું સંતાન મોટું થાય તેમ તેમ પિતા પણ બદલાતો જાય છે. એક પિતા તરીકે ભૂમિકા અદા કરતાં તે પોતાનું જીવન ક્યારે પૂર્ણ કરી દે તેને ખુદને ખબર હોતી નથી. તે પોતાના સંતાનમાં જ જીવી લે છે. પિતૃત્વ ચુપ રહેતું હોય છે. શિવ જ્યારે સાધનામાં લીન હોય અને પર્વતનાં કોઈ ખુણે શિવ સાધનામાં બેઠા હોય તેમ સંતાન પિતાની પિતૃત્વ સાધનાથી અજાણ હોય છે, પણ જ્યારે તે પોતે પિતા બને ત્યારે પિતાને પૂર્ણ રૂપે સમજી શકે છે. પિતાનો અર્થ સમજાય છે. જે સંતાને અત્યારસુધી પિતા પાસેથી માત્ર લીધું છે અને હવે જ્યારે પિતા બનીને માત્ર આપવાનું છે ત્યારે એક પિતાની ભુમિકા સમજે છે. 

અમુક વખતે ગુસ્સામાં સંતાન પોતાના પિતાને  બોલી ઉઠે છે અમને પેદા કેમ કર્યાં, ત્યારે બાપ પાસે પણ તેનો જવાબ હોતો નથી. પણ જ્યારે સંતાન ખુદ પિતા બને છે ત્યારે તેને આપમેળે તેનો જવાબ મળી જતો હોય છે. 

જ્યારે એક પિતાનું દિલ રડે ત્યારે જાણે ખુદ શિવ રડે તેવું મને લાગે. રડતી મા તમે જોઈ હશે પણ રડતો પિતા જોવો મળવો મુશ્કેલ છે. પિતા સંતાન સામે ગુસ્સો પ્રગટ કરી શકે પણ રડે તો નહીં. કારણ કે તે શિવ છે. શિવ એક શક્તિ છે. પિતૃત્વની શક્તિ માતૃત્વ સામે કઠણ છે. માતૃત્વ નરમ છે, કોમળ છે. જલ્દી સમજાય છે. પણ પિતૃત્વ દેખાતું નથી. તે મૌન છે. તે તપ છે. તે ચુપ છે. તે શક્તિ છે. 

સંતાન સામે લડતા પિતા પણ જોયા છે. સંતાન પાછળ રડતા પિતા પણ જોયા છે. સંતાનથી ખુશ પિતા પણ જોયા છે. સંતાનથી દુ:ખી પિતા પણ જોયા છે. પણ સંતાન ન ઈચ્છતો પુરૂષ જોયો નથી, કારણ કે પિતૃત્વની ભુખ દરેક પુરૂષમાં રહેલી છે. અપરિણત પુરૂષ પણ પિતૃત્વ ઠાલવી શકે. ભ્રષ્ટાચારી, ચોર, લૂંટારૂ પણ પિતૃત્વ ઠાલવી શકે, કારણ કે તે શિવ તત્વ છે. તેના પર દરેકનો અધિકાર છે. 

બાપની મિલકત માટે લડતા સંતાન જોયા,પણ
બાપને સાથે રાખવા લડતા સંતાન નથી જોયા..

જ્યારે હું ઘરડાઘરમાં જવું ત્યારે મને એક વિચાર આવે કે બાપ બનેલો એક દિકરો પોતાના જ બાપ સાથે આવો અન્યાય કેવી રીતે કરી શકે ?. ત્યારે હું એક જ વાત કહીને મારા દિલને ચુપ કરું છું. આ યોગીની સમાધી ફળી નહિ, સંતાને તેનું ફળ ન આપ્યું. 

ઘરડાઘરમાં જઈએ એટલે માતાઓ સાથે વાત કરવાની મજા આવે. આજે  21મી જૂને હું મારા ખાસ મિત્રો સાથે ગયો હતો. જ્યાં તેમની સાથે મળીને ઘરડાઘરમાં રહેતા વડીલો સાથે કેક કાપી હતી. એક માતાને સવાલ પુછ્યો અમે અહીં આવ્યા છીએ. તમારી સાથે વાત કરી રહ્યાં છીએ. તમારી સાથે ફોટા પડાવી રહ્યાં છીએ. તે વાતે તમે ખુશ છો કે અમને સહન કરી રહ્યાં છો. ત્યારે માતાએ કહ્યું બેટા સમય કાઢીને આવતો રહેજે.
એક મુલાકાત