Pages

લગ્ન માટે પ્રેમ કે પ્રેમ માટે લગ્ન ?

પ્રેમ એટલે શું ? જ્યારે હું મા સામે નજર કરું ત્યારે મને પ્રેમ આપોઆપ સમજાઈ જાય છે. પણ જ્યારે કહેવાતા પ્રેમ શબ્દ વિશે વિચાર કરું ત્યારે મુંઝાઈ જાવ છું. મને તો આકર્ષણ જ દેખાય છે. પ્રેમ જાણે જાતીય સુખ માટેનો એન્ટ્રીપાસ છે. દિકરાને મા જેવો અને દિકરીને બાપ જેવો નિસ્વાર્થ પ્રેમ પોતાના જીવનસાથીમાંથી મળે તો  જીવનનો દરિયો વગર કોઈ ત્સુનામીએ પસાર થઈ જાય.

જોકે પ્રેમ પર ભરોસો થાય તે માટે પુરાવા પણ આપવા પડતા હોય છે. મને તો લગ્ન પણ પ્રેમની ભુલનો એક પુરાવો જ લાગે છે.

લગ્ન પછી મને લાગે છેકે દરેક પતિ મનોમન એક વાત તેની પત્નીને કરતો હશે. “જો હવે મારા-તારા લગ્ન થઈ ગયા. હું તારો સ્વામી અને તું મારી રાણી. હવે આ ચાર દિવાલો તારી મર્યાદા અને હું જગતમાં ભમીશ,પણ તારે નહિ પુછવાનું”. 

જોકે પત્ની પણ મનમાં વિચારતી હશે"મારા પુરૂષને હું તો મારો કરી દઈશ, ઘણો પ્રેમ આપીશ" પણ કોણ જાણે ધીરે ધીરે પ્રેમ જીવનમાંથી એવો સુકાઈ જાય કે પ્રેમ ફિલ્મોમાં જ જોવા મળે, બાકી તો રોજ ચકલા-ચકલીનાં એ દાણા...

બીજી તરફ મારી નજર લીવ-ઈન પર જાય છે. જ્યાં કોઈ પુરાવો નથી. બસ એક ઈચ્છા છે. એકમેકનાં સાથની...લીવ ઈન જાણે રોજ લેવાતી પરીક્ષા છે. લીવ -ઈન એક દિવસનું  સાહસ નથી. અહીં તો રોજ સંબંધને ટકાવી રાખવા માટે ખેતી કરવી પડે છે. લીવ ઈન પ્રેમની મીઠી રમત છે. જે રોજ રમવી પડે.જેમાં એકબીજા પર કોઈ અધિકાર નથી. બસ સાથે રહેવાની ઈચ્છા છે.

મારા મતે લવ મેરેજમાં પડકાર છે. લવ મેરેજ ભુલ પણ બની શકે અને ગર્વ પણ. જ્યારે ગોઠવેલા લગ્ન ભરોસો રાખીને પોતાની ઈચ્છાથી કરેલો સોદો છે. સોદો લાભ પણ આપી શકે અને ખોટ પણ લાવી શકે. પણ તેમાં બહાનાનો અવકાશ છે.એટલું તો કહી શકાય, છોકરો કે છોકરી પારખવામાં ભુલ થઈ ગઈ.દોષનો ટોપલો બીજા પર નાંખી શકાય, જ્યારે લવ મેરેજ પોતે જ કરેલી ભુલ છે. 

ચાર દિવાલો વચ્ચે માણસ જ્યારથી રહેતો થયો ત્યારથી બંધનમાં ફસાતો ગયો. હવે બંધનનો ગાળીયો કસાયો છે.તેમાં લીવ ઈન જેવા સંબંધ જ પ્રેમમાં પ્રાણ  ફૂંકી શકે. જેમાં કોઈ પણ વચન કે બંધન વગર માત્ર બે જીવ જીવી શકે. જોકે અમેરિકા આ બાબતે ઘણું આગળ છે. પણ ભારત અમેરિકાથી અનેક ઘણું આગળ છે. અહીં તો લગ્ન પહેલા પ્રેમ નામે અનેક લોકો ચરી જાય છે. તેના પુરાવા કોલેજ મેદાને અને બાગ-બગીચામાં મળી જશે. હજુ કાલે પેલો સ્કૂલે જતો હતો અને આજે કોલેજ જાય છે. અને ત્રીજા દિવસે પ્રેમનાં રંગે રંગાઈ જાય છે. અને જો નસીબ સાથ આપે અને થયેલો પ્રેમ બે-ત્રણ વર્ષ ટકી ગયો તો ભારે થઈ જાય. પછી તો મા-બાપ પર દબાણ, તરત જ યુવક અને યુવતીનાં ઘરમાં પ્રેમ સાહસ રણકી ઉઠે “અમારો પ્રેમ સાચો છે. ત્રણ વર્ષ થઈ ગયા પ્રેમને. હવે લગ્ન કરી આપો”. અને કદાચ જો મા-બાપ વિરોધ કરે તો, લગ્ન પહેલા જ હનીમુન કરી નાંખે. એટલે મા-બાપ શરમ અને દુ:ખને મારે શું કરે, આખરે માની જાય. 

જોકે હવે હકીકત બદલાઈ ગઈ છે. હવે અમુક મોર્ડન મા-બાપ પણ છે. જે અગાઉથી જ જણાવી દે “કઈ હોય તો કહી દેજે. જેથી અમને ખબર પડે”. 

હકીકત તો એ છેકે સામાન્ય ભણેલો, ગામડામાં રહેતો અને ઓછું કમાતા દિકરાને કોઈ છોકરી આપવા તૈયાર નથી. દરેકને હાઈ-ફાઈ, કમાઉ અને વિદેશમાં ડોલરમાં કમાતો છોકરો કે છોકરી જોઈએ છે. જોકે હજુ અમુક સમજુ દિકરા-દિકરીઓ છે, જે મા-બાપને રસ્તે ચાલવા તૈયાર છે. જે સારા લગ્નજીવનની ઈચ્છા સાથે આગળ વધે છે. અમુક દિકરા-દિકરીઓના મા-બાપ સારું ઘર કે પછી સંસ્કાર જોઈને પોતાના સંતાનનાં લગ્ન કરાવતા હોય છે. પણ અહીં પ્રેમ તો નથી. બસ એક ભરોસો છે. લગ્નજીવન સુખી રહેશે તેવી ઈચ્છા સાથે કરેલો ભરોસો. અહીં પ્રેમનો અવકાશ પાછળથી રહેલો છે. પણ શરૂઆત ભરોસાથી થાય છે. 

હવે તો લગ્નનું એડવાન્સ બુકીંગ જાણે કોલેજોથી શરૂ થઈ ગયું છે. જે માટે પ્રેમ એન્ટ્રીપાસ જેવું કામ કરે છે.કોલેજનાં મેદાન મેરેજબ્યુરો જેવા લાગે છે. કોલેજમાં જ સારો જીવનસાથી મળી જાય તેવી ઈચ્છા સાથે જ મોટાભાગની યુવતીઓ અને યુવકો પ્રવેશ કરે છે. 

પ્રેમ બાદ લગ્ન કે પછી લગ્ન બાદ પ્રેમ, પણ સત્ય તો લગ્ન જ છે. પ્રેમ ભલે લગ્ન સાથે ધોવાઈ જાય પણ લગ્ન તુટવા ન જોઈએ, નહીં તો ઈજ્જત જશે. બીજી તરફ લીવ ઈન માટે પહેલા બેઈજ્જત થવું પડે અને પછી એકમેકનાં સાથનું અને મુક્ત પ્રેમનું સુખ મળે. 

મુક્ત પ્રેમ લગ્ન જેવી લાચારીમાં સુખી ન હોઈ શકે. પ્રેમને ડર ન હોય, કોઈ લાલચ ન હોય, કોઈ બંધન ન હોય, તે મજબૂર ન હોય. પ્રેમને કોઈ બંધનની જરૂર નથી. હું તો કહું છું બે પ્રેમીને લગ્નની પણ જરૂર નથી. અહીં સિક્કાની માત્ર બે બાજુ નથી, પ્રેમની તો અનેક બાજુ છે. જેને સગવડ પડે તે મુજબ વાપરી શકે.જેના દાખલા તમને મળતા રહે છે. પરદેશ જવા માટે લોકો કેટકેટલા સોદા કરે છે. તે છુપાયેલી વાત નથી. 

અંતે એટલું જ કહેવાનું કે સુખી તે લોકો કહેવાય જે પોતાના પ્રેમ સાથે જીવન જીવી લે છે. તે લગ્ન પહેલાનો પ્રેમ હોય કે લગ્ન પછીનો,પણ પ્રેમ હોવો જરૂરી છે. જે મુક્ત છે. જે આઝાદ છે. જે સુખી છે. કારણ કે દરેક જીવ મુક્ત જીવનનો આશીક છે. કહેવાય છે કે બંધ ઓરડામાં માણસનું અસલ સ્વરૂપ ખીલે, બાકી તમને પણ ખબર છે પશુ-પક્ષીને પણ બંધ ઓરડા પસંદ નથી. 

"પ્રેમનાં દરિયામાં આવેલી ત્સુનામીમાં માણસ ત્યારે તણાઈ જ્યારે માણસ કિનારેથી દરિયાની મજા લે પણ પાણીમાં ડૂબકી ન લગાવે "