Pages

ભૂખ : સિંદૂરનું શરણ - ભાગ : 2


પરણેલો વિજય સ્વભાવે સરળ, હસમુખો અને રૂપાળો છે. પણ પ્રેમ માટે ઘેલો છે. મફતમાં મળે તો કોણ ના પાડે, એમાં વળી ત્રીજી દુનિયાએ તેની માટે જાણે ભુખ સંતોષવાની હોલસેલ દુકાન ખોલી દીધી છે.પણ તેની આ ભુખે તેની આંખો પર પાટા બાંધી દીધાં છે. મીનાબેનનું ઓપરેશન પૂર્ણ થયા બાદ વિજય દિલ્હી માટે રવાના થયો. હજૂય દિલ્હીમાં પણ રોમિંગનાં ભાવે ચેટીંગ-સેટીંગ ચાલુ છે. 


દિલ્હીથી બે દિવસ રહ્યાં બાદ તે ભાવનગર પરત ફર્યો અને તરત બીજા દિવસે સવારે અમદાવાદ તરફ દોડ્યો. જોકે અમદાવાદમાં તેનું કોઈ કામકાજ નથી. તેમ છતાં મિત્રને મળવાનું છે તેવું બહાનું કાઢીને તે એક દિવસ માટે અમદાવાદ નીકળી ગયો. વહેલી સવારે ભાવનગરની નીકળેલો વિજય બપોર દરમ્યાન અમદાવાદ આવી પહોંચ્યો છે. બસ સ્ટેન્ડથી બહાર નીકળીને રિક્ષાવાળાને સરનામું દેખાડીને તરત જ નક્કી કરેલા ભાડે બેસી જાય છે. મણિનગરની એક સોસાયટીમાં ઉતરે છે. આમતેમ ડાફોડિયાં મારે છે. રસ્તે પાંદડા અને સોસાયટીનાં મુખ્ય દરવાજા પાસે આવેલા બે ઝાડ સિવાય કોઈ ફરકતું નથી. દૂર એક મેડીકલની દુકાન છે. હવે આ સોસાયટીનાં નામની ચકાસણી કરવા માટે વિજય પાસે મેડકીલ સ્ટોરનો જ સહારો છે. જેથી વિજય એક જાસુસની જેમ મેડીકલ સ્ટોર પાસે જઈને થોડી વાતચીત કરે છે અને સોસાયટીની માહિતી મેળવી લે છે. જોકે તેની પાસે જે સોસાયટીનું નામ હતું તે મુજબ રિક્ષાવાળો ખરે ઠેકાણે મુકી ગયો હતો.


રૂપાએ આપેલા સરનામાંની ચકાસણી થયા બાદ વિજય મેડીકલ સ્ટોરથી સોસાયટી તરફ જવા આગળ વધે છે. ત્યારે જ સોસાયટીનાં મુખ્ય દરવાજેથી કોઈ હસમુખી સ્ત્રી તેને જોતી જોતી બહાર મુખ્ય માર્ગ પર આવી રહી છે. જેને દૂરથી જોઈને વિજય પણ રાજી રાજી થઈ ગયો છે. ભુરા કલરનું જીન્સ અને વાઈટ કલરની ટાઈટ ટી-શર્ટ પહેરીને આવેલી રૂપાને જોઈને વિજયનું આખુંય શરીર રોમાંચિત થઈ ઉઠે છે. જોકે રૂપા સાથે બે બાળકો છે. એક સાત વર્ષનું અને બીજુ પાંચ વર્ષનું બાળક રૂપાની બાજુમાં ચાલી રહ્યાં છે. દૂર ઊભેલો વિજય મુંઝાઈ રહ્યો છે. પણ ખુશખુશાલ થયેલો વિજય આંધળો બની ગયો છે.  


દૂરથી રૂપા ઈશારો કરીને વિજયને તેની પાછળ પાછળ આવવાનું સૂચન કરી રહી છે. વિજયની અનુભવી નજર રૂપાનો ઈશારો અને ઈરાદો સમજી જાય છે. વગર વિચારે વિજય રૂપાને ઈશારે જાણે આંધળાને લાકડી મળી ગઈ હોય તેમ રૂપાની પાછળ પાછળ ચાલતો થાય છે. જોકે વિજય પણ રૂપાને પહેલી વખત મળ્યો છે. રૂપા અને વિજય એકબીજાને છેલ્લા એક અઠવાડિયાથી ઓળખે છે. ભાવનગરમાં ત્રણ દિવસ સુધી હોસ્પિટલની પથારીમાં કણસતી માતાની પીડાને હળવી કરવાને બદલે  દિકરા  વિજયે આ દિવસો દરમ્યાન પોતાની ભુખ સંતોષવા અમદાવાદમાં રહેતી રૂપા નામની સમવયસ્ક રૂપાવન સ્ત્રીનાં દિલ પર વિજય મેળવી લીધો હતો. જોકે ચેટીંગમાં બંને સાચા પ્રેમનાં નામની ધજા ફરકાવી રહ્યાં હતાં. પણ હવે શું થશે તે વાતે લગીરે ચિંતા નથી.ઘોડો સામે છે.ઘોડી સામે છે અને તેમાં વળી ખેતર ખાલી છે. પછી પુછવાનું શું રહે. બંને એકબીજાને જોઈ ખુશખુશાલ છે. 

આ પોસ્ટમાં મુકેલી વાર્તાનો અંશ, ભુખ નામે એક પ્રકાશિત થનારી બુકની સત્ય કહાનીઓમાંની એક છે. 

નોંઘ : હવે  આગળની વાર્તા ઓનલાઈન પ્રકાશિત થશે નહિં. તે બદલ માફ કરશો. પરંતુ તમે પુસ્તક સત્વરે વાંચી શકો તે માટે કામગીરી ચાલુ છે.