Pages

ધર્મ અને ચોકલેટ

ધર્મ હમેશા વિવાદમાં રહે છે. જોકે મારે અહીં તમને કોઈ ધર્મની ચોકલેટ ખવડાવી નથી. પણ એક બાળક ઈચ્છે તો તમને પ્રસાદને બહાને ચોકલેટ ખવડાવી શકે અને પોતે પણ ખઈ જાય. આખી જિંદગી ધર્મનાં પાઠ કરનારા જ્ઞાનીઓ જે સમજાવી ન શકે, તે જ્ઞાન બાળક પોતાની ચાલાકીથી આપણને શીખવી દે.

મોટાભાગનાં બાળકને ચોકલેટ પ્રત્યે એટલો જ મોહ હોય છે. જેટલો મારા અને તમારા બાળકોને હશે. બાળક વધારે પડતી ચોકલેટ ખાય તો મા-બાપ ઠપકો આપે છે. તે દરેક મા-બાપનું સ્વાભાવિક વલણ છે. પણ અમુક વખતે બાળકની હોંશિયારી આપણને મુંઝવી દેતી હોય છે. આપણી પાસે ચોકલેટ ન ખાવાનું એક જ કારણ છે. બેટા, દાંત ખરાબ થઈ જશે. પણ બાળક માટે ચોકલેટ ખાવાનું અન્ય પણ કારણ હોઈ શકે. જ્યારે બાળક એમ કહે આ ચોકલેટ નથી પ્રસાદ છે. મંદિરનો પ્રસાદ સહર્ષ ગ્રહણ કરવો, તે મા-બાપે આપેલા સંસ્કાર છે, પણ ચાલાક બાળક આપેલા સંસ્કાર અને ધર્મનું મહત્વ સમજી જાય તો આ પ્રકારે રમત પણ રમી લે. જોકે ધર્મનાં નામે રમત કોણ નથી રમતું.

મોટાભાગે મા-બાપ માને છે કે ત્રણ વર્ષનાં બાળકમાં શું બુદ્ધિ હોય, પરંતુ હવે નવી જનરેશન અલગ છે. અઢી- ત્રણ વર્ષનાં બાળક મોબાઈલમાં ફોટા જોઈ શકે છે, લેપટોપ પર કાર્ટૂન જોઈ શકે છે.તેમના બાળપણને કેદ કરવા માટે મોબાઈલ છે. ઘણાં ભાગ્યશાળી છે બાળકો..

બાળકને સંસ્કાર આપવા હોય તો નાનપણ તેનો પાયો છે. દરેક મા-બાપ બાળકને સારા સંસ્કાર આપવાની ઈચ્છા ધરાવતા હોય છે. જેથી કરીને જવાનીમાં ખોટી દિશામાં ન ભટકે. દરેક મા-બાપની ઈચ્છા હોય છે તેમનું બાળક ધર્મનો આદર કરે. અને એટલે જ બાળકને નાનપણથી જ ધર્મ અને સંપ્રદાયનાં પાઠ ભણાવાના શરૂ થઈ જાય છે.

બાળક બધું જ જુએ છે. તે સાથે તેની સમજણ પણ વધે છે. કઈ વસ્તુથી પપ્પા કે મમ્મીને ગુસ્સો આવશે. તેની તેને ખબર છે. મમ્મીને ખુશ કેવી રીતે કરવી, પપ્પા ગુસ્સે થાય ત્યારે શું કરવું. બધી જ તેને ખબર પડે છે.

નાનપણથી બાળકમાં ધર્મનું ચણતર કરી દેવામાં આવે છે. જે સારી બાબત છે. તે સારી રીતે સમજે છેકે ધર્મનાં પાઠ ભણાવનારા મારા વડીલો કેટલા ધાર્મિક છે અને ઘરમાં ધર્મ અને સંપ્રદાયનું કેટલું મહત્વ છે.

ધર્મ હમેશા વિવાદનો વિષય રહ્યો છે. ધર્મ અને સંપ્રદાયની લાંબી કતાર છે. પાખંડી લોકો પણ છે જે ભોળા લોકોને ધર્મની ચોકલેટ ખવડાવીને પોતાનું પેટ ભરે છે. 

આમ તો ધર્મ અને ચોકલેટને કોઈ સંબંધ નથી. આ લેખ સામાન્ય છે. પણ ખાસ વાત કહી જાય છે. એક બાળક પોતાની ઈચ્છા પુરી કરવા માટે પ્રસાદનું નામ લઈને ચોકલેટ ચાઉં કરી જાય છે. જોકે ધર્મને નામે અનેક લોકો પોતાની મરજીનું કામ કરાવી લેતા હોય છે. અને આ કિસ્સામાં તો એક ભોળા બાળકની ચોકલેટ ખાવાની લાલચ હતી. જેણે પોતાની ચાલાકીથી મને ચુપ કરી દીધો.

આ લેખમાં સમજવા જેવી બાબત એ છેકે નાનપણમાં હું ચોકલેટ ખાવા પ્રસાદને બહાને મજા કરી લેતો. અને હવે જવાનીમાં પાખંડ, લાલચ મને ધર્મની ચોકલેટ દેખાડી મજા લૂંટે છે.