માણસ જ એક એવો જીવ છે. જે પોતાની ઈચ્છા મુજબનું કામ કરાવા માટે ભગવાનને પણ બાંધી દે. જેને ઈશ્વરે પશુ-પક્ષીઓથી પણ સવિશેષ ભેટ આપી તેમ છતાં મનુષ્ય હમેશા રડતોને રડતો રહે છે. સમય સાથે આદિમાનવ આધુનિક માનવ બની ગયો છે. કપડાં પહેરતા શીખ્યો, બોલતા શીખ્યો, લોકોની વચ્ચે રહેતા શીખ્યો, કામ કરીને જીવતા શીખ્યો, અને બીજા પાસેથી કામ લેવાનું શીખ્યો.
મનુષ્યે ભગવાનને પણ કામે લગાડી દીધાં. પોતાની ઈચ્છા મુજબ કામ ન થાય એટલે બાધા. અને જો બાધા ફળી તો બસ પતી ગયું.પછી તો બાધાની વાતે વાતે લાંબી લાંબી યાદી..અમુક લોકો તો બાધા લઈને પણ ભુલી જાય. જીવનમાં એટલી બધી બાધા લીધી હોય કે યાદ પણ ન આવે. બીજો કોઈ બાધા પુરી કરે ત્યારે અચાનક જ યાદ આવે. મારી આ બાધા બાકી છે. મોટાભાગે બાધા કેવા પ્રકારની હોય છે તે તમે જાણો છે, જેમ કે " હું ચાલતો આવીશ, હું ભાતનો ત્યાગ કરીશ, હું પુનમ ભરીશ, હું ચપ્પલનો ત્યાગ કરીશ ".
જમાનો બદલાયો, વિચાર બદલાયા, પણ હજુ બાધા લઈને કામ કરાવાની આદત લોકોની એવીને એવી જ છે. બાધા રાખવી કોઈ ખોટી વાત નથી. પણ તેની આદત પડી જવી તે કોઈ ખોટી વાત છે. જોકે આ શ્રદ્ધાનો વિષય છે. મારે તો બસ એટલું જ કહેવું છે કે ચંદ્બ પર પહોંચી ચુકેલા માણસે હવે બાધાના પ્રકાર બદલાવા જોઈએ. હવે સુખ-સુવિધા વધી છે. ગુલામીથી લઈને દેશ આઝાદ થયો ત્યારથી બાધા એવી જ લેવાઈ રહી છે. જે મારા-તમારા બાપદાદા વખતે લોકો રાખતા હશે. પહેલા એક નાનકડી બાધા વખતે અનેક કષ્ટ આવી જતાં. ચોટીલા, અંબાજી, કે પરદેશનાં દેવસ્થાને જતાં જતાં જીવન નીકળી જાય. પણ અંતે બાધા ભેટ સ્વરૂપે દિકરાને માથે આવે. પણ હવે સુખ-સુવિધા વધી છે. રસ્તા ટુંકા થયા છે. પગને ટાયર મળી ગયા છે. ભુખને વિકલ્પ મળી ગયા છે.
બાધા રાખવાના પ્રકાર વર્તમાન સમયે શોભે તેવા હોવા જોઈએ. જેમ કે, હું મોબાઈલનો ત્યાગ કરીશ, હું ઈન્ટરનેટનો ત્યાગ કરીશ, હું ટીવીનો ત્યાગ કરીશ, હું સોશ્યલ મીડિયાનો ત્યાગ કરીશ. જોકે આ બાધા શબ્દોમાં સરળ છે પણ તેનું પાલન કરવું અતિશય કઠણ છે.
અને હા ખાસ કરીને પરીક્ષા ટાંણે વિધાર્થી સોશ્યલ મીડિયાનો ત્યાગ કરે તો ચોક્કસ બાધા સફળ જાય. અને વિધાર્થી સારા માર્ક્સે પાસ થાય, પણ શું તે કરશે ખરો ? ના તે નહિં કરે, તે પુનમ ભરવાનું વધારે પસંદ કરશે.
