Pages

વિકાસ



કોઈ એક શહેરમાં એક ઝુપડપટ્ટીની પાસે બગીચો હતો. થોડા વર્ષો અગાઉ તે ખંડેર જેવી હાલતમાં હતો. આ બગીચામાં છોડ હતાં પણ વરસાદ આવે ત્યારે જ ખીલી ઉઠે અને ઉનાળામાં બગીચો ફરીથી બરબાદ થઈ જાય. એક દિવસ આ બગીચાની બાજુમાં ભણેલો એક પરિવાર રહેવા આવ્યો. આ બગીચાનો કોઈ માલિક ન હતો. તેને આ બગીચાની માવજત બારેમાસ કરી, અને અત્યારે આ બગીચો ખીલી ઉઠ્યો છે. બગીચામાં પ્રવેશ મફત નથી. તેની એક રૂપિયો ટિકીટ રાખી છે. જે બગીચાના ખર્ચ પાછળ વપરાય છે. કહેવાનો અર્થ એક છે. કોઈ પણ મુશ્કેલીનો ઉપાય પદ્ધિતસર શોધવામાં આવે તો તેના ફળ બારેમાસ મળી શકે, પણ માત્ર લાભ ખાંટવા જ કોઈ વસ્તુનો ઉપયોગ કરવામાં આવે તો તેની પરિસ્થિતિમાં કોઈ સુધારો શક્ય નથી.






વર્તમાન સમયે આ પ્રકારની પરિસ્થિતિમાં વિકાસ મુકાયો છે. ચૂંટણી આવે એટલે વિકાસ ખીલી ઉઠે. અને વિકાસનાં નામે નવા ખાતમુર્હૂત થાય. અવનવી જાહેરાતો થાય. આચારસંહિતા લાગુ પડે તે પહેલા સારી એવી ઘોષણા થઈ જાય. અને જેવી ચૂંટણી પતી જાય ચૂંટણીઢંઢેરો જ પસ્તી બની જાય..


શું માત્ર યોજનાઓ જ એક સામાન્ય માણસનું જીવન વિકાસથી ભરી દે છે ? વિકાસ કેવો હોવો જરૂરી છે. વિકાસ એવો હોય કે બગીચાનો દરેક છોડ ખીલી ઉઠે. તેને બગીચામાં હોવાનો ગર્વ થાય.

સમાજ અત્યારે કેવો વિકાસ ઈચ્છી રહ્યો છે. શું સમાજનો માનસિક વિકાસ થઈ રહ્યો છે. શું સમાજનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે. શું સમાજનો સામાજિક વિકાસ થઈ રહ્યો છે. પરિવારો અલગ થઈ રહ્યાં છે. જ્ઞાતિને ભેગા રહેવા મથામણ કરવી પડી રહી છે. યુવકોને કમાવા માટે પરિવાર છોડીને સ્થળાંતર કરવું પડી રહ્યું છે.

રાજનીતિ દરેક ક્ષેત્રમાં પ્રવેશી ચુકી છે. ધર્મ હોય કે શિક્ષણ કે જાતિ રાજનીતિ પહોંચી ગઈ છે. દેશમાં રાજનીતિ જ સર્વસ્વ થઈ ગઈ છે. વિકાસનું સ્થાન દબદબાએ લઈ લીધું છે. વિકાસનો અર્થ હું સુખી છું, મારો પાડોશી સુખી છે. મારું ગામ સુખી છે. મારું શહેર સુખી છે. મારો દેશ સુખી છે. શાંતિમય જીવન દરેકને મળે તે મુખ્ય હેતુ વિકાસનો છે. દરેકને એકસરખી તક અને એકસરખો અધિકાર વિકાસ માટે મળે તે જરૂરી છે.

દરેક ક્ષેત્રમાં શિક્ષણ જરૂરી છે. માત્ર બાપદાદાનો ધંધો કરવો હોય તો અભણ દિકરો પણ ચાલે. કારણ કે તે અંગત મામલો છે. પણ જ્યારે દેશહિતની વાત હોય ત્યારે બાપદાદાનો વારસો ન ચાલે. હવે જરૂરિયાત બદલાઈ છે. તે મુજબના ફેરફારો વર્તમાન રાજનીતિમાં કરવા જરૂરી છે. જેમકે સૌથી પહેલો સુધારો શિક્ષણને લઈને કરવો જરૂરી છે. જનપ્રતિનિધિ ભણેલો હોવો જોઈએ. આ ભણતરનું સ્તર પી.એડી સુધી રાખવું જરૂરી છે. કારણ કે તેણે સમાજનાં દરેક વર્ગને લગતાં અત્તિમહત્વનાં નિર્ણયો કરવાનાં છે. એટલે તેનું શૈક્ષણિક સ્તર મજબૂત હોવું જરૂરી છે.
વર્તમાન સમયે સમાજ માનસિક વિકાસથી વંચિત છે. જોકે પ્રજાનો ધાર્મિક વિકાસ સંપ્રદાયો કરી રહ્યાં છે. શૈક્ષણિક વિકાસ શાળાઓ કરી રહી છે. પણ તેની સામે પણ સવાલો છે. આજે ભણી રહેલું બાળક ભવિષ્યમાં કેવું બનશે તેની ખાત્રી તો શાળા પણ આપી શકે તેમ નથી.  વર્તમાન સમયે અંગત જીવન સબળ બન્યું છે. મોબાઈલ યુગમાં ઈન્ટરનેટનાં પ્રવેશે લોકોને પાંખો આપી દીધી છે. એક તરફ કહેવાય છે કે વાંચન ઘટી રહ્યું છે અને બીજી તરફ મોબાઈલ પર વીડિયો અને શાયરીઓની માંગણી વધી ગઈ છે. ટીવી પર ક્રાઈમ અને ન્યુઝની ભરમાર છે. જેમાં અકસ્માત, બળાત્કાર અને ભ્રષ્ટાચાર બ્રેકિંગ કહેવાય છે. ટ્વીટર પર નેતાઓ લડી રહ્યાં છે. સંસદમાં હંગામો કાયમી થઈ ગયો છે. વેપારી મોલથી પરેશાન છે. મોલ બીજા મોલથી પરેશાન છે. ગરીબ યોજનાની રાહ જોઈને બેઠો છે. જેની માટે તાલુકા કચેરીએ આવકનાં દાખલા માટે ધક્કા ખાઈ રહ્યો છે. ગરીબ કલ્યાણ મેળાની રાહ જોઈને બેઠો છે. વિધાર્થી ભણી રહ્યો છે પણ ખબર નથી આગળ શું કરવાનું છે. મા –બાપ મોકલે છે એટલે ભણવું પડે છે. શાળાઓ ભણાવી રહી છે. કારણ કે ધંધો છે. બાળક સાથે કોઈ લાગણી નથી. બસ ફી મળવી જોઈએ. સરકારી શાળાઓ વિધાર્થીઓની રાહ જોઈને બેઠી છે બાકી તો અહીં  બપોરનું ભોજન જ શિક્ષણ છે.

આટલી બધી સમસ્યાઓ વચ્ચે વિકાસ કેવી રીતે કરવો, પહેલા તો સમાજનો માનસિક વિકાસ પછી મજબૂત મનોબળ અને દેશહિતને પ્રથમ સ્થાન આપનારી પ્રજા અને સિસ્ટમમાં સુધારો થવો જરૂરી છે. હજૂ પણ પોલીસ અને પ્રજા વચ્ચે મિત્રતા બંધાઈ નથી. નેતા અને પ્રજા વચ્ચે ભરોસો પેદા થયો નથી. કાર્યકર્તાઓની વાત અલગ છે. કાર્યકર્તા સમાજની એવી પ્રજા છે. જે એવી લાઈનમાં છે. જેને રાજનીતિમાં પ્રવેશ કરવો છે. એટલે તેમની નિષ્ઠા કોઈ એક પક્ષ સુધી સિમિત હોય છે. પણ સત્તા ભોગવી રહેલો નેતા પ્રજાનો છે. તે પક્ષનો પછી હોવો જોઈએ. પણ હવે કોઈ પણ સત્તાધારી પાર્ટીનો નેતા પાર્ટીનો નેતા પહેલો કહેવાય છે. અને પ્રજા પછી આવે છે.

વિકાસનાં ચક્કરમાં મારું  વિકાસ નામનું બાળક પથારીમાં મોટું થઈ ગયું. પણ મારી સ્થિતિ એવીને એવી રહી. તેમ કહેનારા અનેક વિકાસનાં પપ્પા તમને  મળી જશે. પણ વિકાસ કેવી રીતે થશે તેની થિયરી સાથે ગર્વથી પ્રજા સામે ઉભો રહેનારા બુદ્ધિજીવી શોધી બતાવો...

બુદ્ધિજીવી છે પણ તેમને પ્રેક્ટીલ કરવાની કોઈ તક જ મળી નથી. કલામ સાહેબે એક વસ્તુ કહી હતી કે હું ઈચ્છું તો પણ દેશની અમુક વસ્તુઓ સુધારી શકું તેમ નથી.

રાજનીતિમાં ફરજિયાત શિક્ષણ નહિં પ્રવેશે ત્યાં સુધી સ્થિતિમાં સુધારો થવો અશક્ય છે. નેતા ફરજિયાત કોઈ પણ ક્ષેત્રમાં પી.એચડી થયેલો હોવો જરૂરી છે. આ ફરિજયાત થશે ત્યારે વિકાસ તરફ આગળ વધવાનું આપણું પ્રથમ પગથિયું હશે.

મારો એક જ સવાલ તમને છે.  જો જનમત આટલો જરૂરી જ છે તો ન્યાયાધીશ પણ જનમતને આધારે બેસાડો, ભલે તેનું ભણતર ગમે તેવું હોય. આધાર એક જ છે. પહેલા પણ પંચાયત જ હતી. જેમાં ગામનો સંરપંચ અને તેની ટોળકી કોઈ પણ સમસ્યાનો ફેંસલો કરતી હતી. જોકે પ્રજાને આ ટોળકી પર ભરોસો હતો. પણ હવે શિક્ષિત સમાજ માટે આ પ્રકારની કોર્ટ યોગ્ય નથી. એટલે ભણેલો ગણેલો ધારાશાસ્ત્રી જ ન્યાયપાલિકા સંભાળે તે સમાજનાં હિત માટે યોગ્ય છે.

તમે પણ એવા પરિવારો જોયા હશે. જે શિક્ષિત દિકરા કે દિકરીને કારણે તમારી નજર સામે મજબૂત થયા હશે. તમને પણ ખબર છે કે જ્યાં સુધી એક સુખી-સંપન્ન પરિવારમાં શિક્ષણ ન પ્રવેશે ત્યાં સુધી તેનો સંપૂર્ણ વિકાસ અશક્ય છે. તે લોકો ધની કહેવાશે પણ સાથે અભણ પણ કહેવાશે. અને એક આર્થિક રીતે પછાત પરિવારમાં શિક્ષણ પ્રવેશે તો તરત જ તે સંપ્રૂણ રીતે વિકાસ પામે છે. તે પરિવારને સામાજિક સ્થાન પણ મળશે સાથો સાથ વિકાસનું સુખ પણ મળશે.

અંતે એક જ સવાલ

શું રૂપિયો જ વિકાસ છે અને રૂપિયો કમાઈને પણ ખર્ચ વ્યસન પાછળ જ કરીશું અથવા તો કોઈ ઢોંગી બાબાને અર્પણ કરીશું.

આઝાદી પછી અનેક સ્વતંત્રતા દિવસ આવીને ગયા, પણ તમે ધ્વજને કેટલી વખત સલામી આપી છે. હાથનાં ટેરવે તમે ગણી લેશો. બાળપણે આપેલી સલામી યાદ નહિં હોય. જવાનીમાં સમય મળતો  નથી અને ઘડપણમાં પગ ચાલતા નથી. હવે દેશપ્રેમ શબ્દોથી નહિં પણ કર્મથી વ્યક્ત કરવો પડશે. તમારા અહિતકારી કર્મો તમારી આગામી પેઢીને દુ:ખી તો કરશે જ પણ સાથેસાથે નિર્દોષ લોકોને તેમનાં હકથી વંચિત રાખશે. જો ગાંધીએ રૂપિયા કમાવાની ચિંતા કરી હોત, તો આજે દેશની પરિસ્થિતિ કઈંક અલગ હોત. જો સરદારે રૂપિયા કમાવાની ચિંતા કરી હોત. તો આજે હું આ લેખ લખી શક્યો ન હોત. આ લોકોએ ભાવિ પેઢીને જન્મ આપ્યો છે. વર્તમાન પેઢી વિકાસનાં ફાંકા મારીને જીવીશે કે ખરેખર વિકાસનો આનંદ લઈને મરશે. કે પછી વિકાસ આગળની પેઢીનાં નામે લખીને જવાનો વિચાર છે.

ગાંધી, સરદારને આપણે યાદ કરીએ છીએ. કારણ કે તેમણે આઝાદી અપાવામાં યોગદાન આપ્યું. તે પેઢી હજૂય યાદ છે અને આગમી પેઢી પણ ભુલી નહીં શકે, ગાંધી અને સરદાર જેમણે પોતાના પરિવારની પણ ચિંતા કરી નથી. જેમમે હમેશા દેશહિતને પ્રથમ સ્થાન આપ્યું છે. તેનો લાભ અત્યારે કહેવાતાં અથવા બની બેઠેલા ગાંધી અને સરદારનાં વંશજો લઈ રહ્યાં છે. આપણી આગળની પેઢીને કોણ યાદ કરે છે. તેનું કોઈ મુલ્ય નથી. તે રીતે આપણી પેઢી પણ ઈતિહાસમાં કાળા અક્ષરે લખાશે.

જો આપણે વિકાસને નામ માત્ર ફાંકા જ મારતા રહીશું. અને આગામી પેઢીને સુંદર, વિકસિત જીવન આપવામાં અસફળ રહીશું તો આગામી પેઢી જ આપણને એટલી ગાળો દેશે જેનો ભાર વર્તમાન નિર્ણયકર્તાની પેઢીને જ ઉઠાવો પડશે..