Pages

આખરે આ ભારત કોનું ?



કોઈ પણ વિકસિત દેશનાં નાગરિકની ભારત પ્રત્યે આવી નજર કેમ છે. તેની પાછળ માત્ર એક જ પરિબળને જવાબદાર ઠેરવી દેવું યોગ્ય નથી. વિકાસની ગતિએ દેશ છે તેમ કહેવું ગર્વની વાત છે. આપણે ગુલામ હતા. હમણાં જ આઝાદી મેળવી છે. દેશ વિકાસની દિશાએ છે. અપૂરતી સુવિધા છે. તેમ કહેવું ખપે, પણ દેશમાં વિકાસની રેલમછેલ હોય, અઢળક યોજનાઓ હોય, તેમ છતાં કથળેલી સ્થિતિમાં દેશ જોવા મળે ત્યારે શરમ તો આવે..જાહેર પરબે ચેઈનથી બાંધેલો પાણીનો ગ્લાસ દેશની માનસિક્તાને સૂચવે છે. આ ચેઈન જ્યાં સુધી ન હટે ત્યાં સુધી મને તો શરમ આવશે. 

અપૂરતો વિકાસ કોઈ પણ દેશને ખપે, પણ શબ્દોમાં રહેલી નાગરિક ની ફરજો નાગરિકનાં જીવનમાં ન ઉતરે તો ભારે થઈ પડે, અને એટલે વિદેશીઓને રોડ પર હરતાં ફરતાં ઢોર નવાઈ પમાડે છે. રોડ રસ્તે ફરતી દેશની ગરીબી ફોટો ખેંચવા મજબૂર કરે છે. દેશનો ભવ્ય વારસો તેમને ભારત ખેંચી લાવે છે. પણ સભ્ય ભારતીય નાગરિકનું આ અનોખું ચિત્ર સાથે લઈને જાય છે. જેની ચર્ચા તે બીજા સાથે કરે છે. આમીર ખાને એક જાહેરાત કરી હતી. જેમાં જાહેરમાં પેશાબ ન કરવાની સલાહ આપતો નજરે પડતો હતો. તે યાદ કરો...હવે આગળ વધીએ..



એક ભારતીય નાગરિકની ફરજો શું. બાળપણમાં શાળામાં રોજ બોલતાં હતા. મારી જેમ તમે પણ જ્યારે  શાળાની ચોપડીઓમાં પણ પ્રથમ પાનાં પર આ ફરજો લખેલી જોઈ હશે. એટલે તમને પણ  થોડી ઘણી યાદ રહી હશે. પણ તેના પર અમલ કરવાનો ભાર  ભાગ્યે જ  કોઈએ આપ્યો  હશે. ભારતનાં સંવિધાનમાં કલમ 51- અનુસાર ભારતના દરેક નાગરિકની મૂળભૂત ફરજો આપેલી છે. જે મુજબ,

સંવિધાનને વફાદાર રહેવાની અને તેના આદર્શો અને સંસ્થાઓનો, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કરવાની...

આઝાદી માટેની આપણી રાષ્ટ્રીય લડતને પ્રેરણા આપનારા ઉમદા આદર્શોને  હ્રદયમાં પ્રતિષ્ઠિત કરવાની અને અનુસરવાની...
ભારતનાં સાર્વભૌમત્વ, એક્તા અને અખંડિતતાનું સમર્થન કરવાની અને તેમનું રક્ષણ કરવાની...

દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવાની હાકલ થતાં, તેમ કરવાની...

ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક અથવા સાંપ્રદાયિક ભેદોથી પર રહીને, ભારતના તમામ લોકોમાં સુમેળ અને સમાન બંધુત્વની ભાવનાની વૃધ્ધિ કરવાની, સ્ત્રીઓના ગૌરવને અપમાનિત કરે તેવા વ્યવહારો ત્યજી દેવાની...

આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વરસાનું મૂલ્ય સમજી તે જાળવી રાખવાની...

જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુપક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનુ જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને જીવો પ્રત્યે અનુકંપા રાખવાની...

વૈજ્ઞાનિક માનસ, માનવતાવાદ અને જિજ્ઞાસા તથા સુધારણાની ભાવના કેળવવાની...
જાહેર મિલકતનુ રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની...

રાષ્ટ્રઉન્નત સોપાનો ભણી સતત પ્રગતિ કરતુ રહે એ માટે, વૈયક્તિક અને સામૂહિક પ્રવૃતિનાં તમામ ક્ષેત્રે શ્રેષ્ઠતા હાંસલ કરવાની ફરજ...

હવે આશા રાખું છું કે તમને ફરજો તાજી થઈ ગઈ હશે.

હક માટે ભારતીય નાગિરકોને ભેગા થઈને લડત આપવાનાં સંસ્કાર પેઢી દર પેઢી આપણને મળતા રહ્યાં છે. પણ ભારતીય નાગરિકની જે ફરજો છે તેનું ચુસ્ત પાલન કરવાની ટેવ આપણને  પડી નથી. ધર્મનું ચુસ્ત પાલન કરવાની ટેવ સંપ્રદાયો પાડી દે છે. પણ ભારતીય નાગરિકો પોતાની ફરજો પ્રત્યે સભાન થાય અને  તેનો ચુસ્ત અમલ કરે તે દિશામાં અંધકાર વ્યાપેલો છે. બંધારણમાં નાગરિકની ફરજો શબ્દોમાં લખેલી છે. તેનો એક એક અક્ષર અને વાકયનો ખરો અર્થ બાળપણથી જ બાળકનાં મનમાં સચવાઈ જાય તો દેશ માનસિક ગુલામીમાંથી આઝાદ થઈ જશે. બાળપણમાં રટેલા શબ્દો હમેશ માટે યાદ રહી જાય છે.જેમ  કે મને યાદ છે તે મુજબ, હું ભારતનો નાગરિક છું. દરેક ભારતીયો મારા ભાઈ-બહેન છે. તેમાં વળી દોસ્તો મજાક પણ ઉડાવે, એકને છોડીને બોલ..

આ શાળાની રમૂજ હતી, પણ ખબર ન હતી કે બાળપણથી જ મગજમાં કેવી માનસિક્તા છપાઈ ગઈ હતી. જવાનીમાં જ્યારે ખબર પડી ત્યારે ઘણો વિલંબ થઈ ગયો હતો. પણ મારું બાળક કે તમારું બાળક આ ઉચ્ચ ફરજો સાથે ભારતીય નાગરિકતાને સમજે, અને આગળ વધે તો મને કે તમને એક શ્રેષ્ઠ ભારતીય નાગરિક મળશે.

અનેક વખત વિચાર આવે છે કે આ ભારત કોનું છે. અમુક વખતે ધર્મને નામે દેશનું વાતાવરણ ગરમ થઈ જાય છે. અમુક વખતે અવિકસિત ભારત નજરે પડે છે. અમુક વખતે અનામત આંદોલન સળગી ઉઠે છે. અમુક વખતે બેરોજગારી મુદ્દો બની જાય છે. અમુક વખતે લુખ્ખા તત્વોનો આંતક કોઈ બહેન-દિકરીનું જીવન બરબાદ કરી નાંખે છે. દેશમાં રોજ એક નવી ઘટના બને છે. તે પછી રાજકીય હોય કે કોઈ દુર્ઘટના...પણ દેશનો એક દિવસ ખાલી જતો નથી. ત્યારે સવાલ થાય કે આ દેશ કોનો છે. ભારતીય ફરજોનું પાલન કરવા ઈચ્છનાર એક ભારતીય નાગરિકનો કે પછી જેને  ફરજોનું ભાન નથી તેમ છતાં ભારતીય નાગરિક હોવાનો દાવો કરી રહ્યો છે તેનો ?