Pages

અનામત :કામચલાઉ વ્યવસ્થા જે કાયમી બની ગઈ, અને હવે વિવાદીત બની


અનામત હવે જૂની વ્યવસ્થા થઈ ચૂકી છે. પણ અત્યારસુધી રાજકીય લાભ ખાંટવા માટે અનામતને પોષવામાં આવ્યું છે તે અયોગ્ય છે. હવે આ મુદ્દે ગરમાવો આવ્યો છે. ત્યારે યોગ્ય નિકાલ આવે તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે. પણ અનામત નાબૂદ થશે તેની કોઈ ખાત્રી નથી.
મારા મતે અનામત જરૂરિયાતમંદ હોંશિયાર વિધાર્થી કે વિધાર્થિનીને ભણતર માટે જ મળવું જોઈએ. ગરીબ પરિવારનાં હોંશિયાર વિધાર્થી સારી કોલેજમાં પ્રવેશથી વંચિત ન રહી જાય તથા ગરીબ વિધાર્થી રૂપિયાનાં અભાવે સારું ભણતર પ્રાપ્ત ન કરી શકે તેવી સ્થિતિમાં સરકાર તરફથી ખાસ સુવિધા આપવાની વ્યવસ્થા હોવી જોઈએ. તેને તમે અનામત કે અન્ય કોઈ નામ આપી શકો.  બાકી સ્પર્ધા ટકાવારીને આધારે થવી જોઈએ અને તેમાં ધર્મ, જાતિ અને વર્ણનો કોઈ ઉલ્લેખ ન હોવો જોઈએ. તે હું સ્પષ્ટપણે વિચારું છું. 
સ્વતંત્રતા દિવસ નજીક છે. આ લેખ હું તા. 11મી ઓગસ્ટ રાતનાં પોણા બાર વાગ્યે લખી રહ્યો છું. પંદર મિનિટ પછી 12મી ઓગસ્ટ થઈ જશે. 12મી ઓગસ્ટે ફેસબુક પર લોકોને ચર્ચા કરવા આમંત્રણ આપ્યું છે. મુદ્દો છે અનામત કાઢો.

તે પહેલા ફેસબુક પર મેં અનામતને લઈને મારા વિચારો સ્પષ્ટ કર્યાં છે. લોકોએ ભારે પ્રતિસાદ આપ્યો છે. જેમાં મને જાણવા મળ્યું કે અનામત વ્યવસ્થા મોટાભાગનાં લોકો માટે અસહ્ય બની ગઈ છે. તેમાં ખાસ સુધારાની જરૂર છે. 

અનામત એક વિવાદીત મુદ્દો બની ગયો છે. ભ્રષ્ટાચારથી પણ વધારે વિવાદીત મુદ્દો ભવિષ્યમાં બની શકે.વર્તમાન સમયે જે અવાજ ઉઠ્યો છે. તેના તરફ સરકાર સ્પષ્ટ વલણ નહિં અપનાવે તો આગામી સમયે આ વિવાદ વકરશે તે સ્પષ્ટપણે જણાઈ આવે છે. 

અનામત એકદમ સળગતો મુદ્દો છે. અમિતાભ બચ્ચનની ફિલ્મ આરક્ષણ આવી હતી. તે વખતે આ મામલો ગરમાયો હતો. અને હવે આ નવા સ્વરૂપે ગુજરાતની સામે આવ્યો છે. આ વખતની માંગણી સુવર્ણ વર્ગ કરી રહ્યો છે. જેની સામે બહ્મસમાજ મેદાને ઉતર્યો છે. તે પણ માંગણી કરી રહ્યો છે કે આર્થિક સ્તરને આધારે બહ્મ સમાજને પણ અનામત આપો અથવા નાબૂદ કરો.

ગુજરાતમાં સરકાર ભાજપની છે. આનંદીબેન પટેલ મુખ્યમંત્રી છે. પટેલો મેદાને છે. એટલે રાજકારણમાં ગરમાગરમી આવી ગઈ છે. 15મી ઓગસ્ટ નજીક છે. તે વખતે જ આ મુદ્દે ગરમાવો આવ્યો છે. તે મારા જેવા લોકો માટે અસહનીય બની ગયો છે. તાત્કાલિક સરકાર આ મુદ્દે યોગ્ય નિકાલ કરે તો સ્વતંત્રતા દિવસ ગુજરાતમાં શાંતિમય રીતે ઉજવાઈ તેવી આશા સેવી રહ્યો છું. 




#Anamat મંતવ્યઅનામત : અનામત :કામચલાઉ વ્યવસ્થા જે કાયમી બની ગઈ, અને હવે વિવાદીત બની .તે પરિસ્થિતિમાં અનામત કાઢો અથવા ત...
Posted by વિસામો on Tuesday, August 11, 2015


હવે વાત કરીએ અનામત પર , આઝાદી બાદ અનામતની જરૂરિયાત જે તે સમયે હશે. તેને ધ્યાને રાખીને અનામત જેવી વ્યવસ્થા ગોઠવાઈ હશે તેમ સીધી રીતે માની લઈએ. પણ હવે વર્તમાન સમયે પરિસ્થિતિ બદલાઈ છે. સ્પર્ધા વધી ગઈ છે. શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. હવે સ્નાતક સુધીનો અભ્યાસ સામાન્ય વાત છે. ત્યારે અનામત સંદર્ભે ફેરવિચાર કરવો જરૂરી છે.

અનામત દરેક માટે હોવું જોઈએ. તે મારી વિચારધારા છે. તેમાં વર્ણ, જાતિ કે ધર્મને અલગ તારવીને વહેચણી કરવી સ્વસ્થ સ્પર્ધાનો ખાતમો કરવા બરાબર છે. અનામત એક એવી સુવિધા હોવી જોઈએ. જેમાં ગરીબ પરિવારનાં દિકરા કે દિકરીને માત્ર સહાય સ્વરૂપે ભણતરની વ્યવસ્થા મળવી જોઈએ. બાકી તેણે ટકાવારીમાં રાહત આપીને વગર કોઈ મુકાબલે આગળ ધકેલવામાં આવે તે સમાજનાં હિત માટે સારી બાબત નથી. પણ હવે અનામતની આદત લોકોને પડી ગઈ છે ત્યારે જેને લાભ મળી રહ્યો છે તે પણ ચૂપ બેસે તેમ માની લેવું તે મૂર્ખામી છે. તે પણ આજે નહિ તો કાલે પોતાનો અવાજ ઉઠાવશે. અને જે લોકોને અનામતનો લાભ મળી રહ્યો નથી અને પોતાની સાથે અન્યાય થઈ રહ્યો છે તેમ માનીને પોતાનો અવાજ ઉઠાવી રહ્યાં છે. તે સીધી રીતે સરકારની વાત માની લે તેમ જણાઈ રહ્યું નથી.
આવી પરિસ્થિતિમાં એક જ રસ્તો છે. અનામતનો લાભ સિમિત કરી દેવો જોઈએ. ભણતરમાં અનામત આપો અથવા તો નોકરીમાં અનામત આપો. 

જો ભણતરમાંથી અનામત નીકળી જશે તો  દરેકને એકસરખી મહેનત કરીને પોતાને ભણતરમાં શ્રેષ્ઠ સાબિત કરવા પડશે અને ત્યાર બાદ જ નોકરીમાં અનામતનો લાભ મળવાપાત્ર બને. 

જો ભણતરમાં અનામત મળે તો નોકરીમાં કોઈ અનામતની જોગવાઈ રાખવી ન જોઈએ. જેથી કરીને નોકરીમાં પણ દરેક શિક્ષિતને  એખસરખી તક મળી શકે.

ત્રીજે વિકલ્પ એ છેકે અનામત જે વર્ષોથી રાજકીય લાભ ખાંટવાની ચાવી બની ગઈ છે. તેને નવા સ્વરૂપે ઘડવામાં આવે. જેમાં દરેક જાતિ, ધર્મ અને વર્ણનાં ગરીબ હોંશિયાર વિધાર્થીઓને ભણતરમાં લાભ મળે. તે લાભ લેવાની કાર્યવાહી પણ સરળ રીતે હોવી જરૂરી છે.

ડૉ.આંબેડકરે જ અનામતને કામચલાઉ વ્યવસ્થા ગણાવી, એ પણ ઉચ્ચ સ્તરે 10 ટકા જ રાખવાની ભલામણી કરી હતી. અને આ અનામત હવે વિખવાદ બની ગયો છે. 

ગુજરાત સરકારે નવો અભિગમ અપનાવો જોઈએ. ગુજરાત દરેક બાબતે પ્રથમ સ્થાને રહ્યું છે. દરેક પ્રયોગ ગુજરાતી પ્રજા પર કરવામાં આવે છે. જેમ કે ફરજિયાત મતદાન. તો હવે એક નવો પ્રયોગ પણ સરકાર કરી જુએ. જેમાં અનામત મુદ્દે નવો અભિગમ અપનાવે. જેમાં ગરીબ પરિવારનાં દિકરા - દિકરીઓને ઓછા કાગળીયા કરીને સારામાં સારી કોલેજમાં એન્ટ્રી મળી જાય અને રૂપિયાનો કોઈ ભાર ન રહે તેવી સુવિધા આપવી જોઈએ.અને નોકરી તો ભણતર અને પરિક્ષાને હિસાબે જ મળવી જોઈએ. તેમાં કોઈ છૂટછાટની જરૂર નથી. આ મારું મંતવ્ય છે.

સૌથી અગત્યનો સવાલ

વર્તમાન સમયે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ બે ભાગમાં વહેચેલી જણાય છે. એક ગામ અને શહેર..

એવા પણ ગામ છે તેમની સરકારી શાળાઓમાં ગણતરીનાં વિધાર્થી કે વિધાર્થીની આવે છે, ગમે તેમ કરીને બારમું ધોરણ પાસ કરે છે. અને જો વિધાર્થી કે વિધાર્થિની હોંશિયાર હોય અને બરાબર માર્ગદર્શન મળ્યું હોય તો સાયન્સ તેના ભાગ્યમાં લખાય છે. આવી દુર્દશામાંથી આવતાં ગરીબ પરિવારોનાં દિકરા-દિકરીઓ ઈચ્છે તોપણ સારી ટકાવારી લાવામાં અસર્મથ હોય છે. અપૂરતી સુવિધાઓ વચ્ચે પણ તેમનું ભણવા તરફનું વલણ જ તેમને આ સ્પર્ધામાં હારવા દેતું નથી. તેવા વિધાર્થી કે વિધાર્થિનીઓ માટે ઓછી ટકાવારીએ સારામાં સારી કોલેજમાં સ્થાન આપીને તેમને એક્સપોઝર આપવાની આ વ્યવસ્થા તેમને માટે લાભકારી છે. અને તેવા પરિવારનાં બાળક-બાળકીનો અનાદર ન થઈ શકે. પણ અનામત જેવી વ્યવસ્થાનો દૂરઉપયોગ ન થાય તે માટે સજાગ બનીને યોગ્ય ફેરવિચારણા કરવાનો સમય આવી ગયો છે.