Pages

મહિલા સ્થાન પર વિચાર...







અબળા ગણાતી નારી ખરેખર શું અબળા છે ? નથી, કારણ કે કોઈ દિકરા-દિકરીએ પોતાની માતાને ભાગ્યે જ હતાશ  જોઈ હશે. અને જો કદાચ મા હતાશ હશે તોપણ હતાશા દિકરા-દિકરી સુધી પહોંચવા દીધી નથી. સંઘર્ષનું બીજૂ નામ એટલે જ નારી

હતાશ બાપને વ્યસનમાં ડુબેલો અનેક દિકરા-દિકરીએ જોયો હશે. પણ મા ?...બીજા ઘરે કામ કરીને પણ પોતાના સ્વપ્ન સાકાર કરી બતાવે. એટલે જે કહેવાય છે નારી તું નારાયણી...


નારીની આ સહનશક્તિનાં ગુણગાન અનેક ગવાયા છે. નારીનું આ આભૂષણ પુરૂષે જ જાણ્યું અને તેના ગુણગાન કરી બેઠો. કારણ કે પુરૂષે જ સ્ત્રીની દરેક ભૂમિકા જોઈ છે. પારિવારિક જીવનમાં નારીની ભૂમિકા અનેક રીતે મહત્વપૂર્ણ રહી છે. જોકે હવે નારી ઘરની બહાર પોતાને સાબિત કરવા લડાઈ લડી રહી છે. જેમાં તે સફળ થઈ રહી છે. હજૂ પણ નારીનાં બલિદાન વગર પારિવારિક જીવનમાં તેની ભૂમિકા પૂર્ણ થતી નથી. તેની સામે પુરૂષોની ભૂમિકા એકસરખી રહી છે. જેને સ્વીકારી લેવામાં આવે છે. પણ ધીરે-ધીરે પુરૂષોની ભૂમિકા ઘરમાં બદલાઈ રહી છે. હવે કદાચ પુરૂષ ઘરમાં બટાકા છોલતો નજરે પડે, અથવા તો પત્નીની ગેરહાજરીએ ઓરડો સાફ કરતા પણ નજરે પડે તો નવાઈ ન લાગે. સમય સાથે આવેલું આ પરિવર્તન ખોટું નથી. વર્તમાન સમયે પણ રસોઈયા પુરૂષો વર્ગ છે. તેનું કારણ શું ? મહિલાઓએ રસોડું ઘરની બહાર ક્યારેય સંભાળ્યું જ નથી. અથવા તો તેને પરવાનગી આપી જ નથી. પણ હવે જમાનો બદલાયો છે. નારી હવે ઘરની બહાર નીકળી છે, પ્રસંગે મોટા રસોડા સંભાળવા નહિ, પણ અર્થતંત્રને ટેકો આપવા. કોર્પોરેટ દુનિયામાં પુરૂષો સાથે પગથી પગ મેળવીને નવી દિશા તરફ પ્રયાણ કરવા તે તૈયાર થઈ ગઈ છે. 

નારી ત્યાગની મૂર્તિ છે. ત્યાગ ધર્મ શીખવે છે. પણ નારી તો ત્યાગ કરીને બતાવે છે. નારીની સ્થિતિ હવે સુધરી છે. નબળો શબ્દ નારી માટે વપરાતો જૂનો થઈ ગયો છે. અને હજૂ પણ નારીને નબળી સમજે છે તે ઘોર નિંદ્નામાં છે. નારી સબળ બની છે તેનું કારણ શિક્ષણ છે. જોકે અમુક અંશે હજૂ નારી માટે અનેક પડકાર છે. પણ તેની સામે લડવા અનેક બારીઓ ખુલેલી છે. પણ તે પડકાર સામે લડવા માટે  તેને રણચંડી બનવું પડે. અને ઈતિહાસ સાક્ષી છે જ્યારે જ્યારે નારીએ પોતાની સંપૂર્ણ શક્તિથી અવાજ ઉઠાવ્યો છે ત્યારે ત્યારે તે જીતી છે.

વર્તમાન સમયે નારી જે સ્થિતિએ છે. તે તેની પેઢીઓથી ચાલી આવતી લડતને આભારી છે. આ બદલાવ ધીમે ધીમે આવ્યો અને હજૂ થતો રહેશે. વર્તમાન સમયે નારી દરેક ઘરની લક્ષ્મી માત્ર નામથી નથી, પણ ખરેખર નોકરી કરીને લક્ષ્મી લાવતી થઈ છે. અને નોકરી ન કરનારી નારી પણ રૂપિયો બચાવીને લક્ષ્મી પેદા કરી શકે છે. મારા મતે રૂપિયો બચાવીને જમા કરવો તે પણ કમાયા બરાબર છે. આ ગુણ તો શિક્ષિત હોય કે અભણ દરેક નારીમાં હોય છે. વર્તમાને કોઈ નારીને અભણ પણ ન કહી શકાય. તે અપમાન સમાન લાગે. કારણ કે હવે ભણતરનું પ્રમાણ વધ્યું છે. હવે તો ભણેલો પુરૂષ અભણ જેવું વર્તન કરે ત્યારે દુ:ખ થાય. તમે કોઈ સરકારી ઓફિસમાં મહિલા ઓફિસર જોવો ત્યારે તમને મનમાં શાંતિ જરૂરથી થશે. એક વિશ્વાસ પેદા થશે કે તમારી સાથે અયોગ્ય વર્તન નહિ થાય. બાકી સરકારી કચેરીઓમાં બાબુ સાથે ઝઘડો એટલાં માટે જ થાય છેકે તે બરાબર જવાબ આપતા નથી. એટલે સામે ઉભેલી વ્યક્તિ ઉશ્કેરાઈ જાય છે. અને પોતાની શાંતિનો  ભંગ કરી બેસે છે. એક પુરુષ બીજા પુરુષને મહત્વ આપે તોય ઘણું છે. 

નારી સર્વશક્તિમાન છે. તે અત્યારસુધી પુસ્તકોમાં વાંચ્યું છે પરંતુ હવેની સદી તેનો અનુભવ કરશે. વર્તમાન સદી નારીશક્તિનો પ્રારંભ છે. અને આ સદીનો મધ્યકાલ નારીનું બાળપણ સાબિત થશે અને અંત સમય નારી જવાનીનું સુખ ભોગવશે. તે ટાંણે પુરૂષો પોતાના હક્ક માટે રોડ રસ્તે નજરે ચઢશે. આ પરિવર્તનનો યશ બદલાવને આભારી છે. તે વખતે ખરેખર નારી પોતાનું યોગ્ય સ્થાન ભોગવશે. અને સમાજનો આ બંને વર્ગ એટલે કે  નર-નારી એક તાંતણે સરખાં પરોવાયેલા નજરે પડશે. એટલે સમયસાથે પુરૂષ પણ નારીને નબળી નહિ પણ સક્ષમ સમજીને યોગ્ય હક્ક આપવાની માનસિક્તા કેળવી લે તે તેની માટે હિતાવહ છે. અને આ સંસ્કાર તેની આગળની પેઢીને પણ શીખવે તે જરૂરી છે. જોકે આગળની પેઢીમાં આ સંસ્કાર આપોઆપ આવી જશે. આપણી સાથે કોઈ લેડી કર્મચારી કામ કરતી હશે આપણને કોણે કહ્યું હતું. અને તે આપણાથી બે પોઈન્ટ વધારે મેળવીને પ્રમોશન લઈ જશે અને તેની સામે હારનો સ્વીકાર કરવો પડશે તે પણ કોણે કહ્યું હતું.  

અત્યારસુધી નારીની સ્થિતિ નબળી કેમ હતી. તે પણ વિચાર કરવા સમાન છે. તેનું કારણ એક જ છેકે તે શિક્ષણથી વંચિત હતી, પોતાના અધિકારોથી વંચિત હતી, મર્યાદિત ભૂમિકા અને મર્યાદિત સામાજિક જીવન હતું...પણ હવે વાત અલગ છે. દોટ અલગ છે. સુખ અલગ છે. હવે નારીને માત્ર પરિવારને ખુશ કરવો નથી, હવે તેને સમાજને પણ કઈંક આપવું છે. ડોક્ટર, એન્જીન્યર કે રાજનીતિમાં પ્રવેશીને દેશની સેવા કરવી છે. 

હવે નારીની દુનિયા બદલાઈ છે. તેનું જીવન ઘરની અંદર સિમિત રહ્યું નથી. તે અનેક ભૂમિકાઓ અદા કરી રહી છે. તે એક મા પણ છે. પત્ની પણ છે અને એક ઓફિસમાં પુરૂષો સાથે કામ કરીને પોતાની રોજરોટી પણ કમાઈ રહેલી કર્મચારી પણ છે. જોકે હજૂ પણ તેની આવકને પરિવારમાં ગૌણ ગણવામાં આવે છે. પરંતુ જે સ્ત્રી સ્વબળે પોતાનું ગુજરાન ચલાવી પોતાના સંતાનનું  લાલન-પાલન કરી રહી છે. તેની માટે નોકરી જ એક સ્વતંત્રતાની ચાવી છે.


નારી પાસે એક જ શક્તિ છે. જે તેને પુરૂષોથી અલગ કરી જાય છે. નારી સહનશક્તિનો ભંડાર છે. આ ખુબી તેને આપમેળે પ્રાપ્ત કરી છે. અને આ ખુબીમાં  હજૂ પણ વધારો થઈ રહ્યો છે. વર્તમાન સમયે નારી સામે પડકાર વધ્યાં છે. જે પડકાર અત્યારસુધી માત્ર એક ઘર અને એક કુંટુંબ સુધી સિમિત હતા તે પડકારો સામે હવે નારી બહાર લડી રહી છે. તે પણ પોતાની મર્યાદામાં રહીને લડવા મજબૂર છે. હજૂ પણ કોઈ નારી પોતાની મર્યાદા તોડીને લડે તોપણ તે બીજાની માટે તમાશો બની જાય છે. જેથી કરીને નારી ખુલ્લી રીતે હજૂ પણ લડવાની તૈયારી દાખવી શક્તી નથી. તે પોતાનું જૂનું હથિયાર જ વ્યાજબી માને છે. પણ જેમ જેમ નારીની ભૂમિકા સક્રિય બનતી જશે તેમ તેમ નારી સહનશક્તિ ઓછી અને ન્યાય માટે ખુલ્લેઆમ લડતી નજરે પડશે.

પુરૂષો પાસે પણ એક ખુબી હતી જે ગુમાવી બેઠા છે. મૌન રહેવાની ખુબી. જ્ઞાની પુરૂષો મૌન પર સવિશેષ ભાર આપતા હતાં. આ પુરૂષોનું આભૂષણ હતું. પરંતુ વર્તમાન સમયે મૌન પર વિચાર કરનારા પુરૂષો કેટલાં ? મહાત્મા ગાંધી હતા, જે મૌનનું મહત્વ સમજતાં હતા. જેમણે આ આભૂષણનો પ્રયોગ અંત સમય સુધી કર્યો હતો. અને બીજાને પણ આ માર્ગે દોરવાની પ્રેરણા આપતા ગયા છે. હવે પુરૂષો સામાજિક જીવનમાં જરૂર કરતા વધારે જ બોલતા થઈ ગયા છે. ખબર નહિં કેમ, આ ગુણ તેમને કેવી રીતે કેળવી લીધો. જોકે નારી વધારે બોલે તેમ મનાતું આવ્યું છે. પણ હવે સમજૂં નારી ઓછું બોલે અને કામ વધારે કરે છે.

જે લોકો આ લેખથી અલગ વિચારો ધરાવતાં હોય તે એક વખત પોતાના ઘરમાં નારીની ભૂમિકા પર નજર ફેરવી લે..એક બાપ પોતાની દિકરીને દિકરાની ઉછેર થાય તેના પર સવિશેષ ભાર મુકી રહ્યો છે. દિકરામાં એવું શું છે. જેથી કરીને દિકરીનો ઉછેર એક દિકરાની જેમ કરવાની ઈચ્છા મા-બાપ સેવતા હોય છે. દિકરો સંપૂર્ણ સ્વતંત્રતા ભોગવે છે. વગર કોઈ રોકટોક..તે પુરૂષે પ્રાપ્ત કરેલી આઝાદી છે. પણ પુરૂષને પણ નારી શક્તિ પર ભરોસો થઈ ગયો છે. અને એટલે જ આ આઝાદી દરેક મા-બાપ પોતાની દિકરીને આપી રહ્યાં છે. એક પિતાને પોતાના દિકરા પર ભરોસો ઓછો હોઈ શકે, પરંતુ પિતાને પાક્કી ખાત્રી છે કે દુ:ખની ઘડીએ આ દિકરી મારો દિકરો બનશે. વર્તમાન સમયે બે ભાઈઓ કે ત્રણ ભાઈઓ ભેગા સંયુક્ત રીતે રહે તો નવાઈ લાગે. અને હજૂ આગામી પેઢીમાં મા-બાપ અને સંતાન અલગ રહેશે તે સામાન્ય બાબત બની જશે. ત્યારે સંતાન અને મા-બાપ ભેગા રહે તો નવાઈ લાગે તેમ પણ બને. જોકે હજૂ તો આ દૂરની વાત છે. પણ શક્યતા નકારી શકાય તેમ નથી

એક ભાઈ પોતાની બહેનને સક્ષમ બનાવા માંગે છે. કારણ કે બહેન સક્ષમ હશે તો પાછળથી તેનો ભાર હળવો થઈ જશે. જોકે કાયદો કહે છે કે દિકરીનો ભાગ બાપની મિલકતમાં ખરો, પણ આ ભાગથી વંચિત હજૂય પણ એક દિકરીઓ રહે છે. જોકે આ કૌટુંબિક મામલો છે. તેમાં કંઈ કહી ન શકાય. પણ આ સહન એક જ નારી કરી શકે. બાકી બે ભાઈઓને મિલકત માટે લડતા જોવા કોઈ નવી વાત નથી.

એક પતિ પોતાની પત્નીને દરેક ભૂમિકામાં જોવા માંગે છે. એક દિકરો પોતાની માતાને સુખી જોવા માંગે છે. (અપવાદ પણ હોઈ શકે, કારણ કે ઘરડાઘર વધી રહ્યાં છે) એક દિકરી હરહમેશ માતાની નજીક રહેવા માંગે છે (અપવાદ ઘણા ઓછા છે. દરેક દિકરી માતાનું સુખ જ ઈચ્છે છે. મેં તો હજુ સુધી કોઈ દિકરી એવી જોઈ નથી. જેણે પોતાની જનેતાને તરછોડી હોય. તેની સાથે ન રહી શકે તે તેની મજબૂરી  છે, પણ એવી દિકરીઓ પણ જોઈ છે. જે એકનું એક સંતાન હોય તો અપરિણત રહેવાનું વધારે પસંદ કરે છે)

જેમ જેમ સંયુક્ત પરિવારનો ઢાંચો નબળો થશે તેમ તેમ નારી સબળ બનશે. જે નવો  સામાજિક ઢાંચો બનશે અથવા બની રહ્યો છે તેની મુખ્ય ભૂમિકામાં નારી કેન્દ્ર સ્થાને છે. જેનો પોતાનો પરિવાર ગણાશે. આ વિકેન્દ્રીકરણની શરૂઆત થઈ ગઈ છે. વર્તમાન સમયે પુરૂષ ઈચ્છે કે ન ઈચ્છે પણ તેને રોજીરોટી માટે પણ આ વિકલ્પનો સ્વીકાર કરવો પડે છે.