Pages

ઘરનું રસોડું અને સમાજની 'સ્વસ્થ અને સ્વચ્છ' માનસિક્તા...

સમાજમાં સ્વસ્થ માનસિક્તા એટલી જ જરૂરી છે, જેટલી જરૂરિયાત એક ઘરમાં રસોડાની હોય છે.

તમે કહેશો કે સમાજની સ્વસ્થ અને સ્વચ્છ માનસિક્તા અને ઘરનું રસોડું આ બે વચ્ચે કેમનો તાલમેલ મેં બેસાડી દીધો, ચોક્કસ તમને સવાલ થવો જ જોઈએ. ઘરનું રસોડું આપણને અનેક વાતો શીખવી જાય છે. જેના પર આપણે ક્યારેય ધ્યાન આપ્યું નથી. અથવા તો ધ્યાન આપવાનો સમય જ મળતો નથી. હવે તમે વિચારો, તમને રસ નથી કે સમય મળતો નથી કે પછી તમને આ બાબતે કોઈ દરકાર જ નથી.

હવે વાત કરું, સામાજિક હિત...આપણે સમાજમાં રહેનારા પ્રાણી છીએ. એટલે સમાજને લગતી સારી-નરસી તમામ બાબતોની અસર એકને એક દિવસે તમારા ઘર સુધી પહોંચશે. તે વાત લખીને રાખો. અત્યારે ભલે સમાજમાં પ્રસરી રહેલા દૂષણથી તમારો કોઈ સંબંધ ન હોય, પણ તમારી આગામી પેઢી કે તમારે ભવિષ્યમાં આ દૂષણનો સામનો કરવાનું થશે ત્યારે શું થશે....ત્યારે તમે કહેશો સાલુ,,બહું દૂષણ ફેલાઈ ગયું છે. પ્રદૂષણ એક દૂષણ છે. જેમાં મારો-તમારો દરેકનો સાથ-સહકાર પેઢીઓથી રહેલો છે. અને અત્યારે વરસાદ ન વરસે તો તેના જવાબદાર આપણે જ છીએ. તેમાં સરકાર પણ કઈ ન કરી શકે. આપણે એટલાં માટે જવાબદાર છીએ, કારણ કે આપણે ક્યારેય સરકારને આ બાબતે દબાણ કર્યું જ નથી, કે પ્રદૂષણ ઓછું થાય તે માટે કડક કામગીરી થવી જોઈએ. અમુક વખતે આપણે વૃક્ષારોપણ કર્યું અને અમુક વખતે સરકારે વૃક્ષારોપણ કર્યું અને પ્રદૂષણને ભુલી ગયા. સરકારી ઝાડ વિકાસ માટે કપાયા અને આપણે રૂપિયા માટે કાપી નાંખ્યા, ફર્ક આપણી વચ્ચે કોઈ ન રહ્યો. દુકાનો પર પ્લાસ્ટીકની થેલીઓ આપણે જ માંગીએ છીએ, કારણ કે હાથમાં કપડાંની થેલી લેવી આપણને શોભતી નથી કે હવે આદત રહી નથી.

આખરે સમાજના હિતમાં રસોડું કોણ ચલાવે છે. જે તમારી માટે વિચારે છે, તે એક ગૃહિણી માફક સામાજિક હિત માટે લડતાં રહે છે, પણ સામે નથી આવતાં, આપણે તેમની સાથે થવું જોઈએ, પણ આપણે તેમની સાથે નથી, કેમ..કારણ તમે વિચારો..
હજારમાં એક સિદ્ધાંતવાદી હોય તો અસર કીડીના ચટકા જેટલી પણ ન થાય. તે હું અને તમે પણ માનશો, અને તમને કહું છું કે હજારોના ટોળાંમાં આવું કોઈ સાચું બોલે તો આપણે તેની કદર પણ કરતા નથી, કારણ કે આપણને ટોળું વધારે પસંદ છે. તેમાં સામેલ થવાનું વધારે પસંદ છે. આપણે ચોર લોકોના વખાણ કરવાનું થાકતાં નથી. આ સમાજમાં પ્રસરેલી રહેલી લાલચ જ એકબીજાને દગો કરતા શીખવી રહી છે.  વિકાસ નામનું આ પક્ષી આપોઆપ તમારા ઘર સુધી નહીં આવે. જ્યાં સુધી એકસરખી માનસિક્તા નહીં કેળવાય ત્યાં સુધી આ પક્ષી એક છાપરેથી બીજે છાપરે ઊડતું રહેશે, અને અંતે વગવાળો વ્યક્તિ જ તેને પકડીને ઘરના પિંજરે કેદ કરી લેશે. એટલે કે, રૂપિયાવાળો વધુ રૂપિયાવાળો બનશે. અને મધ્યમવર્ગ આમ જ સમય સાથે પિસાતો રહેશે. ચુસાતો રહેશે. અને હા, ભિખારી અને ગરીબની ગણના જ આપણે કરતા નથી, આપણી માટે તે યોજનામાં જીવે છે. અને યોજના તેમની માટે જ બને છે. 

અમુક લાલચું પોતાના સ્વાર્થ માટે સરેઆમ ચાપલુસી અને દાદાગીરી કરે ત્યારે એક નાગરિક તરીકે તેને સહન કરવું શરમજનક છે, પણ શું થાય દબંગાઈની હવે આદત પડી ગઈ છે. જે પ્રકારે વગર કોઈ કારણે રાજકીય પાર્ટીઓ કાર્યકર્તાઓનું ટોળું મેદાને ઉતારીને પોતાનું બળ સાબિત કરવાની મથમાણ કરી રહી છે. તે દાખલો જ ખોટો છે. હવે તો રાજકીય પાર્ટીઓ કાર્યકર્તા બનાવા માટે અભિયાન રાખે છે. હવે નાગરિક ઓછા અને રાજકીય પાર્ટીઓના કાર્યકર્તા વધારે ફરે છે. અને તેમાં જ ઘર્ષણ સર્જાય છે. અધૂરી વિચારાધારાની સમજણ અને રાજકીય લાભની ઈચ્છા એક માણસને નાગરિક તરીકે વિચારવા જ દેતી નથી.

એક નાગરિકનાં હક અને અધિકારનું સન્માન થવું જરૂરી છે. અને જ્યારે તેના પર નકામા લોકો સવાલ કરે ત્યારે તમારી સ્વચ્છ અને સ્વસ્થ માનસિક્તાની સાથે એટલો જ કડક જવાબ આપો. જેમ કે ઘરના રસોડામાં ગંદકી પાથરીને કામવાળી બાઈ જતી રહે ત્યારે. કેવો ઠપકો આપીએ છીએ...

જીવન ટુંકી સિલેટ અને લાંબા લેશન જેવું ન હોવું જોઈએ, નહીં તો ગરીબની ગર્લફ્રેન્ડ જેવી હાલત થાય...ન રહેવાય ન કહેવાય.. બસ, તેને કિસ્મતનો ખેલ સમજી અને પોતાની ભુલોને યાદ કરી કરીને રોજ થોડું થોડું મરવાનું. અને્ તોય તમારી હાજરી કે ગેરહાજરીની કોઈ નોંધ ન લેવાય.. ત્યારે અમીરનું કૂતરું પણ વધારે ભાગ્યશાળી લાગે.